અમદાવાદમાં મેઘરાજાએ સટાસટી બોલાવીઃ 24 કલાકમાં પોણા 4 ઈંચ વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં માર્ગ પર નદીઓ વહી, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા

આ વર્ષે ગુજરાતમાં સિઝનનો સૌથી 64 ટકા વરસાદ કચ્છ ભાગમાં, જ્યારે સૌથી ઓછો 54 ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 27 Jul 2025 11:22 PM (IST)Updated: Sun 27 Jul 2025 11:22 PM (IST)
ahmedabad-news-more-than-3-7-inches-rain-across-the-city-on-27th-july-574379
HIGHLIGHTS
  • અમદાવાદના દસ્ક્રોઈમાં આજે 10 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
  • ગુજરાતમાં સિઝનનો સરેરાશ 58 ટકા વરસાદ વરસ્યો

Ahmedabad | Gujarat Rain Data: બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમના કારણે પખવાડિયાના વિરામ બાદ મેઘરાજા આળસ મરડીને બેઠા થયા છે અને ગઈકાલે રાતથી જ બઘડાટી બોલાવી રહ્યા છે. આજે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. જે અંતર્ગત આજે આખા દિવસ દરમિયાન અમદાવાદ શહેર અને જિલ્લાને મેઘરાજાએ રીતસરનું ઘમરોળી નાંખ્યું હતુ.

આજે આખા દિવસ દરમિયાન અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકામાં 10 ઈંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. આ સિવાય અમદાવાદ શહેરમાં પણ આખા દિવસ દરમિયાન હળવાથી ભારે વરસાદી ઝાપટાં યથાવત રહ્યા હતા. આમ અમદાવાદ શહેરમાં સાંજે 4 વાગ્યા સુધીમાં સરેરાશ પોણા 4 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

જેમાં શહેરના વટવા વિસ્તારમાં સૌથી વધુ 5.8 ઈંચ, રામોલમાં 4.8 ઈંચ, મણિનગરમાં 4.2 ઈંચ, વાસણામાં 3.4 ઈંચ, પાલડીમાં 2.6 ઈંચ અને બોપલમાં 1.8 ઈંચ વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદના કારણે શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગના નીચાણવાળા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જ્યાં રોડ પર નદીઓ વહેતી હોય, તેમ ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. વેજલપુર, ખોખરા અને ઓઢવ જેવા વિસ્તારમાં કેટલીક સોસાયટીમાં ઘરોની અંદર વરસાદી પાણી ફરી વળ્યા હતા.

ગુજરાતમાં સિઝનનો સરેરાશ 58 ટકા વરસાદ વરસ્યો
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ અનુસાર, આજે ખેડાના નડિયાદ અને મહેમદાવાદ તાલુકામાં 8-8 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 8 તાલુકામાં 3 ઇંચ કરતા વધુ વરસાદ, 18 તાલુકામાં 2 ઇંચથી વધુ, 30 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, કુલ 112 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.

જણાવી દઈએ કે, આજે સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 58 ટકા નોંધાયો છે, જેમાં સૌથી વધુ કચ્છ વિસ્તારમાં 64 ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્ર વિસ્તારમાં 54 ટકા જેટલો નોંધાયો છે.