Ahmedabad News: રાજકોટ અને સુરતમાં સોફ્ટવેર ડેવલોપર અને ઝવેરીઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા બાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા બિલ્ડર ગ્રૂપને ત્યાં દરોડા પાડવામાં આવતા બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે. આજે અમદાવાદ સ્થિત જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન સહિત 40 સ્થળો પર આઇટી વિભાગે દરોડા પાડ્યા છે. આઇટીના સર્ચ ઓપરેશનમાં અનેક બેનામી વ્યવહારો સામે આવે તેવી સંભાવના છે.
ઇન્કમટેક્સ વિભાગે સ્વાતિ બિલ્ડકોન ઉપરાંત તેની સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રૂપ પર પણ દરોડો પાડ્યો છે. સ્વાતિ બિલ્ડકોન ગ્રૂપની ઓફિસ, નિવાસ્થાન સહિત મહેશરાજ કેમિકલ ગ્રૂપની ઓફિસ અને બંગલો મળી 40 જેટલા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. આજે વહેલી સવારથી આઇટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આજે સવારથી અમદાવાદ, રાજકોટ અને વડોદરાના 100થી વધુ અધિકારીઓ આ દરોડામાં જોડાયા છે. અધિકારીઓને અમદાવાદ ખાતે એક મિટિંગ હોવાનું કહીને બોલાવ્યા હતા અને દરોડામાં જોડી દેવામાં આવ્યા હતા. નોંધનીય છેકે, 8 દિવસ પહેલા સુરતમાં ડાયમંડ જ્વેલર્સ ઉદ્યોગ સાથે જોડાયેલા ગ્રૂપો પર આઇટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આઇટી વિભાગની કાર્યવાહીથી ડાયમંડ સિટીમાં સન્નાટો છવાયો હતો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.