Ahmedabad: અમદાવાદના ચાંદખેડા પોલીસ મથકની હદમાં આવતા જગતપુર વિસ્તારની હાઈરાઈઝ બિલ્ડિંગના 14માં માળેથી પડતું મૂકીને યુવતીએ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ મામલે મૃતકની સહેલીએ ચાંદખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં યુવતીએ પોતાના બૉયફ્રેન્ડ અને તેના મિત્રના બ્લેકમેઈલથી ત્રાસીને જિંદગી ટૂંકાવી હોવાનું સામે આવ્યું છે.
શું છે સમગ્ર મામલો?
સાણંદ તાલુકાના એક ગામમાં રહેતી સ્મિતા (બદલેલું નામ) નામની યુવતીએ જગતપુર વિસ્તારમાં આવેલ હાઈરાઈઝ બિલ્ડિંગના 14માં માળેથી મોતની છલાંગ લગાવી હતી. આ મામલે કાજલ નામની મૃતકની સહેલીએ ચાંદખેડા પોલીસ મથકમાં સ્મિતાના બૉયફ્રેન્ડ મોહિત અને તેના મિત્ર હાર્દિક વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતક સ્મિતા અને મોહિત વચ્ચે છેલ્લા દોઢેક વર્ષથી પ્રેમસબંધ હતો. આ દરમિયાન તેઓ અવારનવાર અલગ-અલગ સ્થળો પર મળીને અંગત પળો માણતા હતા. આ દરમિયાન પ્રેમી મોહિતે પોતાના મોબાઈલમાં અંગત પળોનો વીડિયો ઉતારી દીધો હતો.
થોડા દિવસ પહેલા પ્રેમીના મિત્ર હાર્દિક રબારીએ મૃતક યુવતીને ફોન કરીને જણાવ્યું હતું કે, મારી પાસે તમે અંગત પળો માણતા હોય, તેવો વીડિયો છે. એમ કહીને તેને વૈષ્ણોદેવી સર્કલ નજીક મળવા બોલાવી હતી. જ્યાં હાર્દિકે યુવતીને ન્યૂડ વીડિયો બતાવ્યા હતા અને પોતે આ વીડિયો મોહિતના મોબાઈલમાંથી લીધા હોવાનું જણાવી જતો રહ્યો હતો.
આ વીડિયો જોયા બાદ ડરી ગયેલી સ્મિતાએ પોતાના પ્રેમીને જાણ કરી તો, તેણે 2500 રૂપિયાની માંગણી કરી હતી. આથી સ્મિતા પોતાની સહેલી અને તેના પતિ સાથે મોહિતને મળવા પહોંચી હતી. જ્યાં મોહિતે વીડિયો ડિલિટ કરવાનો ધરાર ઈનકાર કરી દીધો હતો. આખરે આ બાબતે સ્મિતાએ પોલીસને જાણ કરતાં પોલીસે મોહિતને બોલાવ્યો હતો અને તેના મોબાઈલમાંથી વીડિયો ડિલિટ પણ કરાવ્યો હતો.
આમ છતાં પ્રેમી અને તેનો મિત્ર વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને સતત બ્લેકમેઈલ કરતાં હતા. આથી સ્મિતાએ પોતાના પ્રેમીને 6 હજાર રૂપિયા રોકડા આપ્યા હતા. આટલું જ નહીં, પોતાની સોનાની ચેઈન પણ ગીરવે મૂકી હતી. આમ છતાં પ્રેમી સતત બ્લેકમેઈલ કરતો હોવાથી કંટાળીને સ્મિતાએ અંતિમ પગલું ભર્યું હતુ.