Ahmedabad: શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં સામાન્ય બાબતે વિદ્યાર્થીએ છરીના આડેધડ ઘા ઝીંકી દેતા એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતુ. આ મામલે મૃતક વિદ્યાર્થીના પરિવારજનોએ સ્કૂલની બેદરકારીથી મોત થયું હોવાનો આક્ષેપ કર્યો છે. આજે રોષે ભરાયેલા પરિવારજનોએ સ્કૂલમાં તોડફોડ કરી હતી અને ફરજ બજાવી રહેલા કેટલાક શિક્ષકોને ઝૂડ્યા હતા. આ ઘટનાની જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ ગંભીરતાથી નોંધ લીધી છે.
આ અંગે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રોહિત ચૌધરીના જણાવ્યા પ્રમાણે, શાળામાં થતી આવી હિંસક ઘટનાને લઈને અન્ય બાળકોમાં પણ ભયનો માહોલ છે. વર્તમાન સ્થિતિને જોતા સેવન્થ ડે સ્કૂલમાં ફિજિકલ ક્લાસ શરૂ થવાની કોઈ શક્યતા નથી. આથી વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે, તે માટે ઑનલાઈન ક્લાસની વ્યવસ્થા કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, આ સમગ્ર ઘટના અંગે DEO કચેરી દ્વારા સ્કૂલના સંચાલકોને નોટિસ ફટકારીને ખુલાસો કરવા જણાવવામાં આવ્યું છે. જો પોલીસ તપાસ દરમિયાન સ્કૂલ સંચાલકોની બેજવાબદારી જણાશે, તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ સમગ્ર ઘટનાનો અહેવાલ રાજ્ય સરકારને મોકલી આપવામાં આવ્યો છે. આ સાથે જ આવી ઘટનાઓ અન્ય શાળાઓમાં ના બને, તે માટે સ્કૂલ સંચાલકોને જરૂરી સૂચના આપવામાં આવી છે.
જણાવી દઈએ કે, શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતો 15 વર્ષીય તરૂણ ખોખરા સ્થિત સેવન્થ ડે સ્કૂલમાં 10માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. થોડા દિવસ પહેલા આ તરૂણ સ્કૂલની સીડી ઉતરતો હતો, ત્યારે ધક્કામુક્કી થતાં તેનો આઠમા ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી જોડે માથાકૂટ થઈ હતી. જેની અદાવત રાખીને 8માં ધોરણના વિદ્યાર્થીએ ગઈકાલે સ્કૂલ છૂટ્યા બાદ ઝઘડો કરીને તરુણને છરીના ઘા ઝીંકી દીધા હતા. જે બાદ સ્કૂલ સત્તાધીશો દ્વારા લોહીલુહાણ હાલતમાં તરુણને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન આજે તેનું મોત નિપજ્યું છે. આ મામલે મૃતક તરુણની માતાએ ખોખરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.