BZ Group Scam: કૌભાંડી BZ ગ્રુપના માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. આઠ મહિનાથી વધુના જેલવાસ બાદ તેમની નિયમિત જામીન અરજી મંજૂર કરવામાં આવી છે. હાઈકોર્ટે કેટલીક શરતોને આધારે જામીન મંજૂર કર્યા છે.
6000 કરોડના કૌભાંડનો ભોગ બનેલા અનેક લોકો
આ ઘટના 6000 કરોડ રૂપિયાથી વધુના કૌભાંડ સાથે સંકળાયેલી છે, જેમાં રાજ્યભરના અનેક લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હતા. આ કૌભાંડ બહાર આવ્યા બાદ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો હતો. BZ ગ્રુપની તમામ ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર પણ થયા હતા, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અગાઉ ટ્રાયલ કોર્ટમાં પણ જામીન અરજી કરી હતી. ત્યારે તેમણે બાંહેધરી આપી હતી કે જો તેમને જેલમુક્ત કરવામાં આવશે તો તેઓ તમામ રૂપિયાનું ચૂકવણું કરશે, પરંતુ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ તેમણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, જ્યાં દલીલો દરમિયાન તેમણે ખાતરી આપી હતી કે તેઓ ક્યાંય પણ વિદેશ નહીં જાય અને ટૂંક સમયમાં રૂપિયાની ચુકવણી કરવામાં આવશે.
આ પણ વાંચો
જામીનની શરતો અને 170 કરોડની ચૂકવણીની બાંહેધરી
હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યા બાદ આજે તેમની નિયમિત જામીન અરજી ગ્રાહ્ય રાખી છે. કોર્ટે ભૂપેન્દ્રસિંહ ઝાલાને લગભગ 170 કરોડ રૂપિયાનું બાકી ચૂકવણું કરવા માટે ત્રણથી ચાર પાર્ટ પેમેન્ટમાં તમામ રોકાણકારોને ચૂકવણી કરવાની બાંહેધરીના આધારે જામીન આપ્યા છે. કોર્ટે તેમની આ બાંહેધરીને ધ્યાનમાં રાખીને તેમને રાહત આપી છે.
જામીન બાદ ચૂકવણી પર સૌની નજર
હવે કોર્ટમાંથી બહાર આવ્યા બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલા કેટલી ચૂકવણી કરે છે તેની પર સૌ કોઈની નજર રહેશે. આઠ મહિના પહેલા આખા ગુજરાતમાં 6000 કરોડના કૌભાંડનો આરોપ લાગતા ખળભળાટ મચી ગયો હતો.