આખરે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાનઃ વઘઈ-સુત્રાપાડામાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો, ખેડૂતોમાં ખુશીની લહેર

સાંજે 6 થી 8 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળામાં 21 તાલુકામાં મેઘમહેર. આજે 7 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 14 Aug 2025 10:19 PM (IST)Updated: Thu 14 Aug 2025 10:19 PM (IST)
ahmedabad-news-46-taluka-gets-rain-across-the-gujarat-till-8-pm-on-14th-august-585470
HIGHLIGHTS
  • આજે 46 તાલુકામાં વરસાદ વરસ્યો
  • ડાંગના વઘઈમાં 2 કલાકમાં જ 2 ઈંચથી વધુ ધોધમાર ખાબક્યો

Gujarat Rain | Ahmedabad: જૂન-જુલાઈમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી હતી, પરંતુ ઓગસ્ટ મહિનો શરૂ થતાં જ વરસાદ વેકેશનમાં મૂડમાં જતો રહ્યો હોય તેમ લાગતું હતુ. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદે વિરામ લેતા તાપમાન ઊંચુ જતું રહ્યું હતુ. જેના પરિણામે અમદાવાદ સહિત કેટલાક ભાગોમાં તો ઉનાળા જેવી ગરમી પડવા લાગી હતી. જો કે બંગાળની ખાડીમાં સક્રિય અપર સાયક્લોનિક સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરીથી મેઘાવી માહોલ જામ્યો છે.

ગુજરાતના 46 તાલુકામાં વરસાદી માહોલ
અષાઢ મહિનામાં બે રાઉન્ડમાં સારો વરસાદ વરસ્યો હતો. જો કે શ્રાવણ માસમાં શ્રાવણી સરવડા નહીં વરસતા ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાણીના અભાવે ખરીફ પાક મુરઝાવા લાગતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની હતી. મગફળી અને કપાસનું વાવેતર કરનારા ખેડૂતો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. એવામાં આજે સૌરાષ્ટ્ર્ અને દક્ષિણ ગુજરાતના મળીને કુલ 46 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે સૌથી વધુ 77 મિ.મી (3.03 ઈંચ) વરસાદ ડાંગ જિલ્લાના વઘઈ અને ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં નોંધાયો છે. ખાસ વાત એ છે કે, વઘઈમાં 52 મિ.મી વરસાદ તો માત્ર સાંજે 6 થી 8 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળામાં જ પડ્યો છે.

આ સિવાય અન્ય તાલુકામાં વરસાદના આંકડા જોઈએ તો, જૂનાગઢના માળિયા હાટીનામાં 42 મિ.મી (1.6 ઈંચ), જામનગર શહેરમાં 36 મિ.મી (1.4 ઈંચ), ગીર સોમનાથના વેરાવળમાં 35 મિ.મી (1.3 ઈંચ), રાજકોટના લોધિકામાં 29 મિ.મી (1.1 ઈંચ) અને તાપીના ડોલવણમાં 29 મિ.મી (1.1 ઈંચ) વરસાદ વરસ્યો છે.

સાંજે 6 થી 8 વાગ્યા સુધીમાં 21 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે આખા દિવસ દરમિયાન 7 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. લાંબા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.