2018 Gujarat Bitcoin Scam: અમદાવાદ - વર્ષ 2018ના ચકચારભર્યા બિટકોઈન તોડકાંડ અને અપહરણ કેસમાં અમદાવાદની સિટી સેશન્સ કોર્ટની ACBની સ્પેશિયલ કોર્ટે ગુરુવારે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા અને પૂર્વ IPS જગદીશ પટેલ સહિત કુલ 14 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ કૌભાંડમાં પોલીસ અધિકારીઓએ સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી તેમની પાસેથી 200 બિટકોઈન પડાવી લીધા હતા અને ત્યારબાદ રૂપિયા 32 કરોડની ખંડણીની માંગણી કરી હતી.
કોણ-કોણ આરોપી હતા?
આ કેસમાં તત્કાલીન અમરેલી જિલ્લા પોલીસ વડા જગદીશ પટેલ, અમરેલી LCBના PI અનંત પટેલ, CBI ઇન્સ્પેક્ટર સુનીલ નાયર, તેમજ વકીલ કેતન પટેલ, પોલીસ કર્મચારીઓ અને પૂર્વ ભાજપ ધારાસભ્ય નલિન કોટડિયા સહિત કુલ 15 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામમાંથી એકમાત્ર જતીન પટેલનો નિર્દોષ છુટકારો થયો છે, જ્યારે બાકીના 14ને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કેસ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં આવેલી ACBની વિશેષ અદાલતમાં ચાલ્યો હતો.
શું હતો સમગ્ર મામલો?
વર્ષ 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું ગાંધીનગરમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. તેમને એક ફાર્મહાઉસમાં ગોંધી રાખીને 200 બિટકોઇન લૂંટી લેવાનો આરોપ અમરેલી પોલીસ પર મૂકવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, કેતન પટેલ અને નલિન કોટડિયાને એવી માહિતી મળી હતી કે શૈલેષ ભટ્ટે સુરતના ધવલ માવાણી પાસેથી રૂપિયા 150 કરોડના બિટકોઇન પડાવ્યા હતા. આ માહિતીના આધારે, નલિન કોટડિયા, કેતન પટેલ અને કિરીટ પાલડિયાએ શૈલેષ ભટ્ટને લૂંટવાની યોજના બનાવી હતી. આ કાવતરામાં CBI ઈન્સ્પેક્ટર સુનીલ નાયરે રૂપિયા 5 કરોડ રોકડા લીધા હતા અને ત્યારબાદ અમરેલી પોલીસે રૂપિયા 12 કરોડના બિટકોઈન પડાવ્યા હતા. શૈલેષ ભટ્ટની ફરિયાદ બાદ CID ક્રાઇમે આ તમામ આરોપીઓની ધરપકડ કરી હતી.
ખંડણી અને બિટકોઈન પડાવવાનો પ્લાન
શૈલેષ ભટ્ટે બીટ કનેક્ટ કંપનીમાં આશરે રૂપિયા 1.14 કરોડ ગુમાવ્યા બાદ, તેણે કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓનું અપહરણ કરીને 2021 બિટકોઈન, 11000 લાઈટકોઈન અને રૂપિયા 14.5 કરોડની ખંડણી મેળવી હતી. બાદમાં, શૈલેષ ભટ્ટે તત્કાલીન અમરેલીના SP જગદીશ પટેલ અને કેટલાક પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી કે તેનું અપહરણ કરીને તેની પાસેથી 176 બિટકોઈન પડાવી લેવામાં આવ્યા હતા. તેણે CBIના ઈન્સ્પેક્ટર સુનીલકુમાર વિરુદ્ધ પણ ફરિયાદ કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે ઈડી અને આવકવેરા વિભાગનો ડર બતાવીને રૂપિયા 10 કરોડની લાંચની માંગણી કરવામાં આવી હતી, જે આખરે રૂપિયા 5 કરોડમાં નક્કી થઈ હતી.
આરોપીઓની ભૂમિકા: કોટડિયા અને જગદીશ પટેલ
આ કાવતરામાં મુખ્ય ભૂમિકા ભજવનાર પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા અને તત્કાલીન એસપી જગદીશ પટેલ હતા. નલિન કોટડિયાને જ્યારે શૈલેષ ભટ્ટ પાસે બિટકોઈન હોવાની જાણ થઈ, ત્યારે તેમણે મોટી રકમ પડાવવા માટે એક યોજના બનાવી અને તેમાં અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલને સામેલ કર્યા. આ બંનેએ સાથે મળીને શૈલેષ ભટ્ટને ત્યાં રેડ પાડી અને કરોડો રૂપિયા પડાવ્યા હતા. આ ઘટના બાદ બંનેની ધરપકડ કરવામાં આવી હતી અને હવે આજીવન કેદની સજા મળતા આ કેસનો અંત આવ્યો છે.