Ahmedabad-Mumbai Vande Bharat Train Route: અમદાવાદ અને મુંબઇ વચ્ચે આગામી સમયમાં 20 કોચવાળી વંદે ભારત ટ્રેન દોડતી જોવા મળી શકે છે. આજે સવારે આ રુટ પર દેશની પહેલી 20 કોચ ધરાવતી ભગવા રંગની વંદે ભારત ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં મણિનગર સહિતના વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઇન પર આ ટ્રેન 130 કિ.મી.ની ઝડપે સડસડાટ પસાર થઇ ગઇ હતી. મણિનગર પાસે જ્યારે આજે આ ટ્રેન પસાર થઇ ત્યારે ક્રોસિંગ પર હાજર લોકો દ્વારા કેમેરામાં કંડારવામાં આવી હતી.
અમદાવાદ પશ્ચિમ રેલવે ડિવિઝન દ્વારા આજે ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છેકે, આજે સવારે પશ્ચિમ રેલેવના અમદાવાદ અને મુંબઇ રૂટ વચ્ચે 130 કિ.મી.ની ઝડપે ટ્રાયલ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. 20 કોચવાણી વંદે ભારત ટ્રેન સેટની નવી ડિઝાઇન સાથે આ ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. અત્યારસુધી અમદાવાદ અને મુંબઇ વચ્ચે સફેદ રંગની વંદે ભારત દોડતી હતી પરંતુ આજે સવારે આ ટ્રેક પર હવા સાથે વાત કરતી ભગવા રંગની ટ્રેન દોડી હતી.
અત્યારે 16 કોચવાળી ટ્રેન દોડે છે
હાલ અમદાવાદ અને મુંબઇ વચ્ચે જે બે વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવી રહી છે તે બન્ને ટ્રેનમાં 16-16 કોચ છે અને અમદાવાદ-મુંબઇ વચ્ચેનું અંતર કાપવામાં સાડા પાંચ કલાક જેટલો સમય લાગી રહ્યો છે. આ બન્ને ટ્રેનો ઓક્યુપન્સી અને રિસ્પોન્સ 100 ટકા જોવા મળ્યો હોવાથી દેશની પ્રથમ 20 કોચ ધરવાતી નવી વંદે ભારત ટ્રેન આ રૂટ પર જ દોડાવવામાં આવી શકે છે. આજે તેનું ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું.