Vedanta Limited Dividend 2025: માઈનિંગ સેક્ટર સાથે સંકળાયેલી અગ્રણી કંપની વેદાંત લિમિટેડે આજે તેના શેરધારકોને મોટી ભેટ આપી છે. શેરબજારમાં કંપનીએ બીજા વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે.
વેદાંત લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટરે શેરદીઠ રૂપિયા 16 ડિવિડન્ડને મંજૂરી આપી છે, જેના માટે કૂલ રૂપિયા 6256 કરોડ ચૂકવવામાં આવશે. કંપનીએ નાણાકીય વર્ષ 2026 માટે બીજા ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ પહેલાથી જ જાહેર કરી દીધી હતી.
વેદાંત ડિવિડન્ડ રેકોર્ડ તારીખ
વેદાંત લિમિટેડે થોડા દિવસો પહેલા એક્સચેન્જ ફાઇલિંગમાં માહિતી આપી હતી કે જો 21 ઓગસ્ટના રોજ યોજાનારી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં ડિવિડન્ડ મંજૂર થાય છે, તો તેની રેકોર્ડ તારીખ 27 ઓગસ્ટ,2025 હશે. આ સ્થિતિમાં આ તારીખ સુધી કંપનીના રજિસ્ટરમાં જે શેરધારકોના નામ સામેલ છે તેમને ડિવિડન્ડનો લાભ મળશે.
શેરબજારમાં T+1 સેટલમેન્ટ સિસ્ટમને કારણે આ ડિવિડન્ડનો લાભ લેવા માટે રોકાણકારોએ ઓછામાં ઓછા એક દિવસ અગાઉ એટલે કે 26 ઓગસ્ટ સુધીમાં શેર ખરીદવા પડશે.
આ કંપની ડિવિડન્ડ કિંગ તરીકે પ્રખ્યાત છે
વેદાંત લિમિટેડ તેના શેરધારકોને મોટા ડિવિડન્ડ આપવા માટે જાણીતી છે. છેલ્લા એક વર્ષમાં વેદાંતે પ્રતિ શેર રૂપિયા 35.50 ડિવિડન્ડ આપ્યું છે. તેની ડિવિડન્ડ યીલ્ડ 7.94% છે, જે તેને રોકાણકારો માટે ખૂબ જ આકર્ષક બનાવે છે.
અગાઉ કંપનીએ જૂન 2025માં શેર દીઠ રૂપિયા 7 ડિવિડન્ડ જારી કર્યું હતું, જેની રેકોર્ડ તારીખ 24 જૂન, 2025 હતી.આજે શેરનો ભાવ 0.36 ટકાના વધારા સાથે 447.10ના સ્તરે બંધ થયો હતો. છેલ્લા એક મહિનામાં તેમાં 1.5 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે 6 મહિનાના સમયગાળામાં 2 ટકાનો વધારો થયો છે.