Stock Markets Dive: વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લાગૂ કરવામા આવેલા ટેરિફને લીધે ભારતીય શેરબજારમાં આજે આશરે 705 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો.
અમેરિકાએ ભારતમાંથી થતી આયાત પર વધારાનો 25 ટકા ટેરિફ લાગૂ કરતાં રોકાણકારોમાં ચિંતા વધી ગઈ છે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે તેનાથી બજારોમાં ટૂંકા ગાળામાં ભારે દબાણની સ્થિતિ જોવા મળશે.
BSE સેન્સેક્સ 705.97 પોઇન્ટ એટલે કે 0.87 ટકા ગગડી 80,080 રહ્ય હતો. જ્યારે નિફ્ટી પણ 211.15 પોઇન્ટ એટલે કે 0.85 ટકા તૂટી 24,500 રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે ભારે મંદીને પગલે રોકાણકારોને રૂપિયા 4 લાખ કરોડનું ભારે નુકસાન થયું છે. BSE ખાતે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 4,49,95,068 કરોડથી ઘટીને રૂપિયા 4,45,43,453 કરોડ થયું છે, આમ આજે રોકાણકારોને રૂપિયા 4,51,615 કરોડનું નુકસાન થયું છે.
સેન્સેક્સ પેકની 30 પૈકી 7 કંપનીના શેરોમાં તેજી જ્યારે 23 કંપનીના શેરમાં મંદીમય માહોલ જોવા મળ્યો હતો. સૌથી વધારે તેજી ટાઈટન, એલએન્ડટી, મારુતિ, એક્સિસ, રિલાયન્સ, આશિયન પેઈન્ટ અને બજાજ ફાયનાન્સના શેરનો સમાવેશ થાય છે. જ્યારે સૌથી વધારે ઘટાડો આઈટી સેક્ટરની HCLTech, ઈન્ફોસિસ, પાવરગ્રિડ, TCS, HDFC બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, ભારતી એરટેલના શેરોનો સમાવેશ થાય છે.
ઓગસ્ટમાં FIIએ 2.66 બિલિયન ડોલરના શેર વેચ્યા
ટેરિફ ચિંતાઓ અને કંપનીઓના સુસ્ત જૂન ક્વાર્ટરના પરિણામો વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ઓગસ્ટમાં અત્યાર સુધીમાં 2.66 બિલિયન ડોલરના શેર વેચ્યા છે. ફેબ્રુઆરી પછી વિદેશી રોકાણકારો દ્વારા આ સૌથી મોટી વેચવાલી છે.