Sterling Hospitals: કેન્સર સામેની લડત ક્યારેક અશક્ય લાગી જતી હોય છે, પરંતુ અમદાવાદ ખાતે આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલ્સના ડોકટર્સે સૌથી જટિલ અને પડકારજનક ગણાતી ફેફસાની સર્જરી – રેસિડ્યુઅલ ન્યૂમોનેક્ટોમી સફળતાપૂર્વક હાથ ધરીને 65 વર્ષીય દર્દીને નવજીવન આપ્યું છે.
આ દર્દી મૂળ જૂનાગઢનો વતની છે અને વ્યવસાયે ખેડૂત છે. તેમની સ્થિતિ એટલી જોખમી હતી કે કેન્સર સામેની લડત જીતવી લગભગ ધૂંધળી લાગતી હતી. પરંતુ સ્ટર્લિંગ હોસ્પિટલ્સના ડોક્ટર્સે જટિલ સર્જરી કરી દર્દીને કેન્સર સામેની લડતમાં વિજય અપાવ્યો છે.
આ દર્દીએ અગાઉ પણ કેન્સર સામેની એક લડાઈ લડેલી હતી જેમાં અગાઉ હાથ ધરેલી સર્જરી દરમિયાન તેમના જમણા ફેફસાંનો એક ભાગ કાઢવો પડ્યો હતો. પરંતુ સમય જતા એ જ ફેફસાના બાકીના ભાગમાં ફરીથી કેન્સર થયું હતું જેથી કરીને તેમની જીવવાની આશા ધીમે ધીમે ઘટી રહી હતી. ડોકટરે ફેફસાના અપર અને મીડલ લોબ્સમાં એક નહીં બે એવા નવા શંકાસ્પદ સ્પોટ જોયા જેના લીધે દર્દીમાં કેન્સર ફેલાઈ જાય એમ લાગ્યું હતું. હવે જે બાકી હતુ એમાંથી પણ કેટલો ભાગ દૂર કરવો પડે એવી નોબત આવી ગઈ હતી.
સ્ટર્લિંગ હોસ્પિટલ્સના સર્જિકલ ઓન્કોલોજીના સિનિયર કન્સલ્ટન્ટ ડો. મંથન મેરજાએ જણાવ્યું હતું કે આ સર્જરી કોઈ જ સેફ્ટી નેટ વિના ઊંચે રહેલા દોરડા પર ચાલવા જેવી હતી. આ સર્જરી પછી દર્દીને માત્ર એક ફેફસાંથી જ પોતાનું આગળનું જીવન જીવવાનું હતુ. આમાં ખૂબ મોટું જોખમ હતું પરંતુ અમે પણ તેમનો જીવ બચાવવા માટે કૃતનિશ્ચયી હતા.
આ સર્જરી રોબોટિક ટેકનોલોજીની મદદથી કરવામાં આવી હતી, જોકે ડોક્ટર્સને ઘણા બધા પડકારોનો પણ સામનો કરવો પડ્યો હતો. પહેલા જે ઓપરેશન કર્યું હતું એના સ્કાર ટિશ્યૂના લીધે ટ્રીટમેન્ટ વધુ જટિલ બની ગઈ હતી. એટલું જ નહીં દર્દીને એનેસ્થેસિયા પર રાખવો પણ ગંભીર બની ગયું હતું કારણ કે પહેલી સર્જરી પછી તેના એરવેઝ એનાટોમી પણ ઘણી બદલાઈ ગઈ હતી.
સ્ટર્લિંગ હોસ્પિટલ્સ અમદાવાદના ઝોનલ ડિરેક્ટર રમણ ભાસ્કરે જણાવ્યું હતું કે અમારા માટે આ સર્જરી તબીબી સિદ્ધિ કરતા પણ મોટી છે. આ કેસ સૌને યાદ અપાવે છે કે વિજ્ઞાન, કરુણતા અને હિંમત જ્યારે એક સાથે મળી જાય તો આશા ગુમાવી દીધી હોય તેવા સમયે પણ દર્દીનું જીવન બચાવી શકાય છે.
આખી ટીમે દર્દીના નાજુક ફેફસામાં ઓછી માત્રામાં હવા ભરીને ખૂબ કાળજીપૂર્વક સર્જરી હાથ ધરી હતી. ઓપરેશન દરમિયાન દરેક કાપો, દરેક ટાંકો અને દરેક મિનિટ જાણી કુદરત સામેનું યુદ્ધ હતું. જોકે સ્ટર્લિંગના સ્ટાફની ચપળતા અને શાનદાર સહયોગને લીધે આ સર્જરી સફળ રહી. કલાકોની ચિંતાજનક માહોલમાં ચાલેલી એ સર્જરી પછી ડોક્ટર્સે દર્દીના ફેફસાનો એ બીમારી ધરાવતો ભાગ કાઢી દીધો હતો. જ્યારે સર્જરી પછી દર્દીએ તેનીં આંખો ખોલી ત્યારે શ્વાસ લઈ રહ્યો હતો અને જીવતો હતો.
બધી જ પ્રતિકૂળતાઓ છતાં દર્દીની ઝડપથી રિકવરી થવા લાગી. છઠ્ઠા દિવસે તે હોસ્પિટલના કોરિડોરમાં પોતાની રીતે ચાલતો થઈ ગયો હતો. નવમા દિવસે તેની ચેસ્ટ ટ્યૂબ્સ પણ કાઢી નાખવામાં આવી હતી અને પછી તેને ઘરે જવા માટે પણ રજા આપી દેવામાં આવી હતી. રજા લેતી વખતે દર્દી શ્વાસ લઈ શકતો હતો, હસતો હતો અને આનંદિત હોવાનું અનુભવી રહ્યો હતો. ડો. મેરજાએ જણાવ્યું હતું કે આ મેડિકલની નહીં પણ એક માણસ તરીકેની સફળતા છે. આ એક ઉત્તમ ઉદાહરણ છે કે યોગ્ય પ્લાનિંગ, ટીમવર્ક અને ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને જીવનના કોઈપણ અઘરા કામ પણ સારી રીતે કરી શકાય છે.
આ સફળ સર્જરીમાં ટીમના અન્ય તબીબોએ પણ શ્રેષ્ઠ યોગદાન આપ્યું હતું જેમાં ડો. મૌનિલ શાહ (ઈન્ટેસિવિસ્ટ), ડો. વરુણ પટેલ (પલ્મનોલોજિસ્ટ) અને ડો. શિવાની કાકરૂ (સિનિયર એનેસ્થેસિયોલોજિસ્ટ), ડો. દિપલ શાહ (રેડિયોલોજિસ્ટ), ડો. ભાવિન શાહ (મેડિકલ ઓન્કોલોજિસ્ટ), ડો. પૂજા (રેડિએશન ઓન્કોલોજિસ્ટ) અને અન્ય કુશળ નર્સ અને સપોર્ટ સ્ટાફ સમાવિષ્ટ હતા. આ તમામના સંયુક્ત પ્રયાસોના લીધે અશક્ય જણાતી સર્જરી સફળ રહી હતી.