Home Loan EMI vs SIP Investment: હોમ લોન લેવી તે એક મોટો આર્થિક નિર્ણય હોય છે અને તેને ચુકવવા માટે દર મહિને ભારે EMIની ચુકવણી કરવી પડે છે. સામાન્ય રીતે લોકો પ્રયત્ન કરે છે કે હોમ લોન જલ્દીથી ખતમ થઈ જાય, જેથી વ્યાજ પર વધારે પૈસા ન આપવા પડે.
આ સંજોગોમાં SIPમાં રોકાણ કરી હોમ લોનના વ્યાજના બોજને હળવો કરવા લોકોએ વધારે સારું આયોજન કરે છે.
SIP મારફતે હોમ લોનનો બોજ ઓછો કરવાના નિર્ણય સાથે લોકોને ફાયદો અને જોખમ બન્ને વિશે વિચાર કરવો જોઈએ. આ રીત જો સમજદારીપૂર્વક અપનાવવામાં આવે તો તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરી શકાય છે.
EMI + SIP વ્યૂહરચના શું છે?
EMI + SIP વ્યૂહરચનાનો અર્થ એ છે કે તમે તમારા માસિક EMI ઉપરાંત SIP દ્વારા દર મહિને મ્યુચ્યુઅલ ફંડમાં એક નિશ્ચિત રકમનું રોકાણ કરો છો. તેનો હેતુ એ છે કે લાંબા ગાળે આ SIP એક મોટું ભંડોળ બનાવશે, જેથી તમે તમારા હોમ લોનનો બોજ ઘટાડી શકો.
ધારો કે તમે રૂપિયા 80 લાખ હોમ લોન લીધી છે. જો તમે તેને 15 વર્ષમાં ચૂકવો છો તો તમારી EMI લગભગ રૂપિયા 78,500 થશે. પરંતુ જો તમે 20 વર્ષ માટે તે જ લોન લો છો તો EMI ઘટીને રૂપિયા 69,000 થઈ જાય છે. તેમની વચ્ચેનો તફાવત લગભગ રૂપિયા 9,500 છે, જે તમે દર મહિને SIPમાં રોકાણ કરો છો.
20 વર્ષમાં તમે કેટલો નફો કમાઈ શકો છો?
ધારો કે તમે 20 વર્ષ માટે એક સારા ઇન્ડેક્સ ફંડમાં દર મહિને રૂપિયા 9,500નું રોકાણ કરો છો. જો તમને વાર્ષિક 12-13% વળતર મળે છે તો 20 વર્ષમાં આ SIP લગભગ રૂપિયા 95 લાખ થી રૂપિયા 1 કરોડનું ફંડ બનાવી શકે છે. આ પૈસાથી તમે તમારી લોનની બાકીની રકમ સમય પહેલા ચૂકવી શકો છો. એટલું જ નહીં લોન ચૂકવ્યા પછી પણ તમે સારી રકમની બચત કરી શકો છો.
શું આ પદ્ધતિ દરેક માટે યોગ્ય છે?
આ વ્યૂહરચના તમને ફક્ત ત્યારે જ ફાયદો કરાવશે જો બજાર સારું પ્રદર્શન કરે અને તમારું રોકાણ સ્થિર રહે. પરંતુ બજાર વધઘટથી ભરેલું છે અને ભવિષ્યમાં વળતર હંમેશા ઊંચું રહેશે તે જરૂરી નથી. જો તમારા મ્યુચ્યુઅલ ફંડમાંથી વળતર તમારા લોન પરના વ્યાજ દર કરતા ઓછું હોય તો આ વ્યૂહરચના વિપરીત અસર કરી શકે છે.
આ ઉપરાંત આ પદ્ધતિ ફક્ત એવા લોકો માટે યોગ્ય છે જેમની આવક સ્થિર છે અને જેઓ દર મહિને SIPમાં રોકાણ કરી શકે છે. જો તમે બેરોજગારી અથવા આવકમાં ઘટાડો જેવી પરિસ્થિતિમાં ફસાઈ જાઓ છો તો SIP બંધ થઈ શકે છે અને EMI ચૂકવવાનું પણ મુશ્કેલ બની શકે છે.