New Rules September 2025: દર મહિનાની જેમ સપ્ટેમ્બર 2025માં અનેક ફેરફાર થવાના છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી શકે છે. 1લી સપ્ટેમ્બર,2025થી ઘણા ફેરફારો અમલમાં આવશે. તેનાથી તમારા ઘરના બજેટ અને દૈનિક ખર્ચ પર અસર પડી શકે છે.
ચાંદીના હોલમાર્કિંગથી લઈને SBI કાર્ડ પર વધેલા ચાર્જ, LPGના ભાવમાં ફેરફાર, ATM ઉપાડ પરના ચાર્જ અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરમાં ફેરફાર થવાની શક્યતા છે. આ બધા ફેરફારો ગ્રાહકોના ખિસ્સા પર સીધી અસર કરશે.
ચાંદીની ખરીદી પર નવા નિયમો
સરકાર હવે સોનાની જેમ ચાંદીના વેચાણ અને ખરીદી અંગે કડક બનવા જઈ રહી છે. ચાંદીના દાગીના પર હોલમાર્કિંગ ફરજિયાત બનાવવાની તૈયારી ચાલી રહી છે. તેનો અર્થ એ છે કે ચાંદીની શુદ્ધતા અને ભાવમાં પારદર્શિતા વધશે.
રોકાણકારો અને ખરીદદારોને હવે વધુ વિશ્વાસ સાથે સોદા મળશે. અહીં નિષ્ણાતો કહે છે કે આ ચાંદીના ભાવ પર પણ અસર કરી શકે છે. ચાંદીના દાગીના ખરીદવા અથવા રોકાણ કરવાની યોજના બનાવી રહેલા લોકોએ નવા નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ.
LPGના ભાવ
દર મહિનાની જેમ 1લી સપ્ટેમ્બર 2025ના રોજ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોઈ શકાય છે. આ ફેરફારો ઓઈલ કંપનીઓ અને વૈશ્વિક બજાર પ્રમાણે નક્કી કરવામાં આવે છે. ગયા મહિને 1 ઓગસ્ટના રોજ 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂપિયા 33.50નો ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ એ જ રહ્યા.
જો આ વખતે ભાવ વધે છે તો તમારા રસોડાના બજેટમાં થોડો બગાડ થઈ શકે છે. તેથી તમારા ખર્ચનું અગાઉથી આયોજન કરો. જો ભાવ ઘટશે તો તે તમારા માટે રાહતના સમાચાર હશે.
CNG અને PNGના ભાવમાં ફેરફાર
ઘણીવાર એવું જોવા મળે છે કે ઓઈલ કંપની 1લી તારીખે CNG અને PNGના ભાવમાં ફેરફાર કરે છે. જોકે એપ્રિલ મહિનાથી આમાં કોઈ ફેરફાર થયો નથી. CNG અને PNGના ભાવમાં છેલ્લો ફેરફાર 9 એપ્રિલના રોજ થયો હતો. જ્યારે મુંબઈમાં CNG રૂપિયા 79.50/કિલો અને PNG રૂપિયા 49/યુનિટ હતો.છ મહિનામાં આ વધારો ચોથી વખત કરવામાં આવ્યો છે.
SBI ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે ફેરફારો
1 સપ્ટેમ્બરથી SBI કાર્ડ ધારકો પર નવા ચાર્જ લાગુ થશે. બિલ ચુકવણી, ઇંધણ ખરીદી અથવા ઓનલાઈન ખરીદી દરમિયાન તમારે વધારાના ચાર્જ ચૂકવવા પડી શકે છે. ઓટો-ડેબિટ નિષ્ફળતા પર 2% દંડ વસૂલવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય વ્યવહારો પર પણ વધુ ચાર્જ વસૂલવામાં આવશે.
રિવોર્ડ પોઈન્ટનું મૂલ્ય પણ ઘટી શકે છે. તેથી તમારા ખર્ચનું અગાઉથી સંચાલન કરો. જો તમે SBI કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા ખર્ચનો અગાઉથી ટ્રેક રાખો જેથી તમે બિનજરૂરી દંડ ટાળી શકો.
FD વ્યાજ દરો
બેંકોના ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરો પણ બદલાઈ શકે છે. હાલમાં વ્યાજ 6.5% થી 7.5% સુધી આપવામાં આવી રહ્યું છે, પરંતુ ભવિષ્યમાં દરો ઘટી શકે છે. જો તમે FD કરવા માંગતા હોય તો વહેલા નિર્ણય લેવાથી ફાયદાકારક થઈ શકે છે.
ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો
કેટલીક બેંકોએ ATM ઉપાડ પર નવા ચાર્જ લાદવાની તૈયારી કરી છે. નિર્ધારિત મર્યાદા કરતા વધુ પૈસા ઉપાડવા પર વધારાનો ચાર્જ લાગશે. રોકડ ઉપાડવાને બદલે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવું વધુ સારું રહેશે.