US India Tariff: અમેરિકાએ ભારત પર રશિયા-યુક્રેન યુદ્ધને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. વ્હાઈટ હાઉસના ટ્રેડ એડવાઈઝર પીટર નવોરાએ ભારત દ્વારા રશિયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી કરવાની ટીકા કરતાં તેને 'મોદીનું યુદ્ધ' ગણાવી દીધુ છે. અમેરિકાએ ભારતમાંથી થતી આયાત પર 50 ટકા ટેરિફ લાગૂ કર્યો છે. બાજી બાજુ ભારતે પોતાના પર લગાવવામાં આવતા આરોપને ધરમૂળથી નકારી પોતાની સ્થિતિને મજબૂત કરી છે.
આ ઉપરાંત નવોરાએ કહ્યું છે કે ભારતના ટેરિફથી અમેરિકામાં નોકરીઓ, કારખાના અને આવક પ્રભાવિત થઈ રહી છે. ભારત ઓઈલની ખરીદી કરીને રશિયાને આર્થિક રીતે મદદ કરી રહ્યું છે.
અમેરિકાનો ભારત પરનો આ આરોપ કેટલો સાચો છે?
ભારતે અમેરિકાના આરોપોને અયોગ્ય અને અવ્યવહારુ ગણાવ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે આપણે રશિયાના ઓઈલનો સૌથી મોટા ખરીદદાર નથી, પરંતુ ચીન છે. LNGનો સૌથી મોટો ખરીદદાર યુરોપિયન યુનિયન છે.
વર્ષ 2022 પછી રશિયા સાથેના વેપારમાં સૌથી મોટો ઉછાળો ભારત નહીં, પરંતુ કેટલાક અન્ય દેશોનો છે. તેમણે એ પણ યાદ અપાવ્યું કે વૈશ્વિક ઓઈલના ભાવ સ્થિર કરવા માટે અમેરિકાએ ભારતને રશિયન તેલ ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યું હતું.
જયશંકરે કહ્યું છે કે આપણે અમેરિકા પાસેથી પણ ઓઈલ ખરીદીએ છીએ અને તેમાં પણ વધારો થયો છે. અમેરિકાના તર્કથી અમને આશ્ચર્ય થાય છે. ભારતે સ્પષ્ટ કર્યું કે તે તેની ઉર્જા સુરક્ષા અને 1.4 અબજ લોકોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપશે.
ભૂતપૂર્વ નીતિ સલાહકાર અશોક મલિકે ધ ફાઇનાન્સિયલ ટાઇમ્સમાં લખ્યું હતું કે અમેરિકા અગાઉ ભારતને વૈશ્વિક તેલના ભાવ સ્થિર રાખવા માટે રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે પ્રોત્સાહિત કરતું હતું. હવે ભારતને નિશાન બનાવવું અયોગ્ય છે.
રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતનું વલણ શું છે?
મીડિયા અહેવાલોમાં અનેક નિષ્ણાતોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ભારતે રશિયા-યુક્રેન યુદ્ધમાં તટસ્થ અને જવાબદાર વલણ અપનાવ્યું છે. વિલ્સન સેન્ટરના દક્ષિણ એશિયા સંસ્થાના ડિરેક્ટર માઈકલ કુગેલમેને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુદ્ધનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે, જે કોઈ પણ બિન-પશ્ચિમી નેતાએ આટલી વાર અને સ્પષ્ટ રીતે કર્યો નથી. તેમણે કહ્યું કે PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુદ્ધનો અંત લાવવા માટે ઘણી વખત અપીલ કરી છે.
વર્ષ 2022માં શંઘાઈ હયોગ સંગઠન (SCO)ની બેઠકમાં PM મોદીએ રાષ્ટ્રીપતિ પુતિનને કહ્યું હતું કે, આ યુદ્ધનો યુગ નથી. આ નિવેદનની સંયુક્ત રાષ્ટ્ર, G20 અને પશ્ચિમી નેતાઓ દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી હતી. ઓગસ્ટ 2024માં PM મોદીની કિવ મુલાકાત અને ઓક્ટોબર 2024માં બ્રિક્સ સમિટમાં શાંતિની હિમાયત કરવામાં આવી હતી. ભારતે યુક્રેનને માનવતાવાદી સહાય પણ પૂરી પાડી છે, જેમ કે તબીબી ઉપકરણો અને રાહત સામગ્રી.