Automotive: પેટ્રોલ કારથી લઇને ઇલેક્ટ્રિક વાહનો સુધી, ભારતના ઓટોમોટિવ હબ તરીકે ઊભર્યું ગુજરાત

સુઝુકી મોટર્સ ગુજરાતે ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન વધારવા માટે 32 અબજ રૂપિયાનું રોકાણ કરીને ચોથી પ્રોડક્શન લાઇનની સ્થાપનાની પણ જાહેરાત કરી છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 20 Aug 2025 04:21 PM (IST)Updated: Wed 20 Aug 2025 04:21 PM (IST)
from-petrol-cars-to-electric-vehicles-gujarat-emerges-as-indias-automotive-hub-588731

Electric Vehicle Manufacturing: ભારતમાં ઓટોમોટિવ ક્ષેત્રે ક્રાંતિ આવી છે તેમાં ગુજરાતનો મોટો ફાળો છે. ગુજરાત તેના વ્યૂહાત્મક સ્થાન, મજબૂત માળખાકીય સુવિધાઓ અને રોકાણને અનુકૂળ નીતિઓને પગલે અન્ય રાજ્યોની સરખામણીમાં ઓટો કંપનીઓની પહેલી પસંદ બન્યું છે.

ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સુઝુકી મોટર્સ ગુજરાતના કારણે આજે આ ક્ષેત્ર ભારતના અગ્રણી ઓટોમોટિવ ઉત્પાદન કેન્દ્રો પૈકીનું એક બન્યું છે. સુઝુકી મોટર્સ ગુજરાતે 7.5 લાખ કાર યુનિટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા સાથે ગુજરાતને વૈશ્વિક ઓટો હબ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ સફળતા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પણ પ્રદર્શિત થશે. નોંધનીય છે કે, આગામી 9-10 ઑક્ટોબર, 2025 ના રોજ મહેસાણામાં ઉત્તર ગુજરાત માટેની વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) યોજાશે.

વર્ષ 2012 થી 2015 વચ્ચે ગુજરાતમાં ઓટોમોબાઇલ ક્ષેત્રે વૈશ્વિક રોકાણકારોને આકર્ષ્યા હતા. 2014માં સુઝુકીએ રાજ્યમાં એક મેગા મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપિત કરવા માટે MoU પર હસ્તાક્ષર કર્યા અને ગુજરાતનું ઓટો ક્ષેત્ર વેગવંતુ બન્યું. આ કંપનીએ વર્ષોથી ગુજરાતમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે, જેનાથી રોજગારીની પુષ્કળ તકો ઊભી થઈ છે. આજે સુઝુકી મોટરનો ગુજરાત પ્લાન્ટ ભારતમાં ઓટોમોબાઈલ ઉત્પાદન સુવિધાઓમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. આ પ્લાન્ટે મહેસાણાની આસપાસ ઓટો કોમ્પોનન્ટ ઉદ્યોગમાં મોટા પાયે રોકાણો આકર્ષિત કર્યા છે.

મજબૂત પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે વૈશ્વિક ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે ગુજરાત વ્યૂહાત્મક એક્સપોર્ટ હબ બન્યું છે. 2024માં ગુજરાતે દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, જાપાન, UAE અને ચિલી સહિતના દેશોમાં લગભગ ₹3,459 કરોડના ઓટોમોબાઇલની નિકાસ કરી હતી.

આ ઉપરાંત, નાણાકીય વર્ષ 2022-23 માં ગુજરાતમાં ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ₹29,700 કરોડનું માતબર રોકાણ નોંધાયું હતું, જે છેલ્લા પાંચ વર્ષમાં 16.4%ની મજબૂત CAGR દર્શાવે છે. એટલે કે, રોકાણ વાર્ષિક 16.4%ના દરે વધી રહ્યું છે.

સુઝુકી મોટર કોર્પોરેશને તાજેતરમાં ઇલેક્ટ્રિક વાહનો માટે બેટરી પ્લાન્ટ (₹7,300 કરોડ) અને EV ઉત્પાદન સુવિધા (₹3,100 કરોડ)ની જાહેરાત કરી છે, જે રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતનું માંડલ બેચરાજી SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન) એક મુખ્ય ઓટો-ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે ઉભરી આવ્યું છે. ઓટોમોબાઇલ ક્ષેત્રે થયેલી આ પ્રગતિ દર્શાવે છે કે ગુજરાત વૈશ્વિક ઓટોમોટિવ પાવર હાઉસ તરીકે ઊભરી આવ્યું છે અને વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં રોકાણકારો માટે તે ધ્યાનાકર્ષક બાબત હશે.