EPFO 3.0 ક્યારે લોન્ચ થશે? નવી સિસ્ટમમાં શું ફેરફારો થશે, જાણો અન્ય મોટા ફાયદા

EPFO 3.0 હેઠળ તમે ATM કાર્ડ અથવા UPI દ્વારા PF રકમ તત્કાલ ઉપાડી શકશો. આ સેવા બિલકુલ બેંકની જેમ કામ કરશે, જેથી તમારે જૂના દિવસોની જેમ લાંબા સમય સુધી ક્લેમની રાહ જોવી પડશે નહીં.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Thu 28 Aug 2025 09:56 AM (IST)Updated: Thu 28 Aug 2025 09:56 AM (IST)
epfo-3-0-whats-new-and-how-it-helps-you-explained-592980

EPFO 3.0 Explained: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પોતાનું નવું ડિજિટલ પ્લેટફોર્મ EPFO 3.0 લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ પ્લેટફોર્મ PF સંબંધિત અનેક કાર્યો ઘરે બેઠા સરળતાથી કરી શકાશે. આ પ્લેટફોર્મ સંપૂર્ણપણે ડિજિટલાઇઝેશન પર આધારિત છે અને તે લોન્ચ થયા બાદ લાખો PF સભ્યોના અનુભવને બદલી નાખશે. EPFO 3.0 ના અમલીકરણથી PF ઉપાડ, ક્લેમ અને સુધારા જેવી પ્રક્રિયાઓ ખૂબ જ સરળ અને ઝડપી બનશે. જાણો કયા ફાયદાઓ થશે...

PF ઉપાડમાં સરળતા

EPFO 3.0 હેઠળ તમે ATM કાર્ડ અથવા UPI દ્વારા PF રકમ તત્કાલ (Instant) ઉપાડી શકશો. આ સેવા બિલકુલ બેંકની જેમ કામ કરશે, જેથી તમારે જૂના દિવસોની જેમ લાંબા સમય સુધી ક્લેમની રાહ જોવી પડશે નહીં. તમને EPF નું ATM-જેવું કાર્ડ મળશે, જે તમારા ખાતા સાથે જોડાયેલું હશે. UPI દ્વારા મોબાઈલથી સીધા પૈસા ઉપાડવાનું શક્ય બનશે, જેમ આપણે કોઈપણ બેંક એપથી ટ્રાન્સફર કરીએ છીએ. અંદાજ મુજબ તમે PF બેલેન્સના 50 ટકા સુધી તત્કાલ ઉપાડી શકશો. આનાથી તમારી બચત સંપૂર્ણપણે સમાપ્ત થશે નહીં.

PF ક્લેમનું ઓટો-સેટલમેન્ટ

EPFO 3.0 માં આશરે 95 ટકા ક્લેમનું ઓટો-સેટલમેન્ટ શક્ય છે, જેનાથી ક્લેમ કરવામાં માત્ર થોડી જ મિનિટો લાગશે અને પ્રક્રિયામાં પારદર્શિતા વધશે.

એકાઉન્ટ વિગતોમાં સુધારો

તમે OTP વેરિફિકેશન સાથે ઓનલાઈન તમારી એકાઉન્ટ વિગતો જેમ કે નામ, જન્મતારીખ, KYC, બેંક વિગતો વગેરે જાતે સુધારી શકશો. આ માટે ફોર્મ ભરવાની કે ઓફિસ જવાની જરૂર નહીં પડે.

પ્લેટફોર્મ પર અન્ય સુવિધાઓ

PF બેલેન્સ જોવું અને તુરંત ફંડ ટ્રાન્સફર કરવું શક્ય બનશે, જેમ આપણે UPI એપ્સ જેવી કે Google Pay, PhonePe વગેરેથી કરીએ છીએ.

અન્ય સરકારી યોજનાઓ સાથે જોડાણ

EPFO 3.0 માં અટલ પેન્શન યોજના (APY) અને પ્રધાનમંત્રી જીવન વીમા યોજના (PMJJBY) જેવી સુરક્ષા યોજનાઓ પણ જોડી શકાય છે. આનાથી બધી સુવિધાઓ એક જ જગ્યાએ મળી શકશે.

સુરક્ષા

દરેક ટ્રાન્ઝેક્શન, સુધારા કે ક્લેમ OTP/PIN વેરિફિકેશન સાથે થશે. આ રીતે તમારું ખાતું સુરક્ષિત રહેશે અને છેતરપિંડીની સંભાવના ઓછી થશે.

મોબાઈલ એપ અને ડિજિટલ ઇન્ટરફેસ

EPFO 3.0 માં એક નવો યુઝર-ફ્રેન્ડલી મોબાઈલ એપ અને વેબસાઈટ હશે. આના પર PF બેલેન્સ, પાસબુક, ક્લેમ સ્ટેટસ વગેરે ટ્રેક કરી શકાશે. તેમાં ઘણી સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

લોન્ચ ક્યારે થશે

EPFO 3.0 ને મે જૂન 2025 માં લોન્ચ કરવાની યોજના હતી. તેને મંત્રાલય અને NPCI (National Payments Corporation of India) ની મંજૂરી પણ મળી ચૂકી છે, પરંતુ ટેસ્ટિંગના કારણે તેમાં થોડો વિલંબ થયો છે. જોકે, ટૂંક સમયમાં જ આ પ્લેટફોર્મ સામાન્ય PF સભ્યો માટે ઉપલબ્ધ થઈ જશે.