Shubman Gill Century: શુભમન ગિલ ઇંગ્લેન્ડ પ્રવાસ પર ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે અને તેણે ટેસ્ટ શ્રેણીમાં રનનો વરસાદ વરસાવ્યો છે. તેની સામે ઇંગ્લિશ બોલરો સંપૂર્ણપણે બિનઅસરકારક સાબિત થયા છે. ગિલે ચોથી ટેસ્ટ મેચમાં પણ સદી ફટકારી છે, જે ચાલુ ટેસ્ટ શ્રેણીમાં તેની ચોથી સદી છે. તે 103 રન બનાવી આઉટ થયો હતો.
ટેસ્ટ શ્રેણીમાં 700 થી વધારે રન પૂરા કર્યા
શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં અત્યાર સુધીમાં કુલ 715 રન બનાવ્યા છે. આ સાથે તે એક જ ટેસ્ટ શ્રેણીમાં 700 થી વધારે રન બનાવનાર માત્ર બીજો ભારતીય કેપ્ટન બન્યો છે. તેમના પહેલા સુનીલ ગાવસ્કરે વેસ્ટ ઈન્ડિઝ સામે 1978/79 ટેસ્ટ શ્રેણીમાં 732 રન બનાવ્યા હતા. ગાવસ્કર અને ગિલ સિવાય કોઈ પણ ભારતીય કેપ્ટન ટેસ્ટ શ્રેણીમાં 700 થી વધારે રન બનાવી શક્યા નથી.
બ્રેડમેનના વિશ્વ રેકોર્ડની બરાબરી કરી
આ ઉપરાંત એક જ ટેસ્ટ શ્રેણીમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારવાનો વિશ્વ રેકોર્ડ ડોન બ્રેડમેન અને સુનીલ ગાવસ્કરના નામે હતો. બ્રેડમેને 1947/48 ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામે ચાર સદી ફટકારી હતી અને ગાવસ્કરે 1978/79 ટેસ્ટ શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ચાર સદી ફટકારી હતી. હવે શુભમન ગિલે કેપ્ટન તરીકે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ચાર સદી ફટકારી છે અને આ બંને દિગ્ગજોના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.