R Ashwin Retirement Reason: ભારતીય સ્પિન દિગ્ગજ રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન અચાનક નિવૃત્તિ લેવા પાછળનું સાચું કારણ જણાવ્યું છે. તેમણે પોતાના યુટ્યુબ ચેનલ પર પૂર્વ કેપ્ટન અને કોચ રાહુલ દ્રવિડ સાથેની વાતચીતમાં આ વાત કહી હતી. અશ્વિને જણાવ્યું કે વિદેશી પ્રવાસો પર ટેસ્ટ મેચોમાંથી બહાર બેસવું તેમને ખૂબ જ ખટકતું હતું અને આ જ તેમની અચાનક આંતરરાષ્ટ્રીય નિવૃત્તિનું કારણ બન્યું.
વારંવાર પ્રવાસ પર જવું અને બહાર બેસવું…
રવિચંદ્રન અશ્વિને ગયા ડિસેમ્બરમાં બ્રિસ્બેનમાં ત્રીજી ટેસ્ટ પછી તેમણે સંન્યાસની જાહેરાત કરી હતી. અશ્વિને કહ્યું કે મારી ઉંમર થઈ ગઈ હતી, તે હું સ્વીકારું છું… એવું નહોતું કે હું ટીમમાં યોગદાન આપવા માંગતો ન હતો, પરંતુ વારંવાર પ્રવાસ પર જવું અને મોટાભાગે બહાર બેસવું, મને ખૂબ ખટકવા લાગ્યું હતું.
મેં અનુભવ્યું કે બસ હવે…
રવિચંદ્રન અશ્વિને વધુમાં ઉમેર્યું કે મારા મનમાં હંમેશા એવું હતું કે હું 34-35 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈશ. પરંતુ વચ્ચે સતત રમી ન શકવાને કારણે, મેં અનુભવ્યું કે બસ હવે… આના કરતાં શું ઘરે બાળકો સાથે સમય વિતાવવો વધુ સારો નથી? તેઓ પણ મોટા થઈ રહ્યા છે અને હું અહીં બેસીને શું કરી રહ્યો છું?
અશ્વિન અનિલ કુંબલે પછી 500થી વધુ ટેસ્ટ વિકેટ લેનારા બીજા ભારતીય બોલર છે. અશ્વિને નવેમ્બર 2011 માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે ભારતમાં રમાયેલી 65 ટેસ્ટમાં 383 વિકેટ અને વિદેશમાં 40 ટેસ્ટમાં 150 વિકેટ લીધી હતી.