Navdeep Saini on Virat Kohli: ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી તાજેતરમાં ટેસ્ટ અને ટી20 ફોર્મેટમાંથી નિવૃત્ત થયા છે અને હવે તેઓ માત્ર વનડે ફોર્મેટમાં જ રમતા જોવા મળશે. હાલમાં જ તેમની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી, જેમાં તેમની દાઢી ગ્રે અને સફેદ દેખાઈ રહી હતી. આ તસવીરને કારણે ઘણા લોકોએ એવી અટકળો લગાવી હતી કે કોહલીની ઉંમર થઈ ગઈ છે અને તેઓ ટૂંક સમયમાં વનડે ફોર્મેટમાંથી પણ સંન્યાસ લઈ લેશે.
વિરાટ કોહલીના સંન્યાસને લઈને શું કહ્યું
આ અટકળો અંગે ભારતીય ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ મોટું નિવેદન આપ્યું છે. સ્પોર્ટ્સ યારી સાથેની એક મુલાકાતમાં સૈનીએ જણાવ્યું કે મને એવું નથી લાગતું. આ સફેદ અને ગ્રે દાઢી કુદરતી બાબત છે. તેનાથી શું ફરક પડી જશે? ખેલાડી તો તેવો જ રહેશે અને મને પૂરો વિશ્વાસ છે કે ભૈયા ચોક્કસપણે આગળ જરુર રમશે.
વિરાટ કોહલીને વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક ગણવામાં આવે છે અને તેમની ફેન ફોલોઇંગ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ ઘણી વધારે છે. તેઓ છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળ્યા હતા. તેમના આ પ્રદર્શનને કારણે જ ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ટ્રોફી જીતી હતી. હવે વિરાટ કોહલી 19 ઓક્ટોબરથી શરૂ થતી ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની વનડે શ્રેણીમાં રમતા જોવા મળી શકે છે.