Virat Kohli Ambati Rayudu: ભારતના પૂર્વ બેટ્સમેન અંબાતી રાયડુએ 2019ના વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાંથી બહાર થવા અંગે મોટો ખુલાસો કર્યો છે. રાયડુએ સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈના પર ખાસ કરીને તત્કાલીન કેપ્ટન વિરાટ કોહલી પર આંગળી ચીંધવા માંગતા નથી. રાયડુ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે નંબર-4ના સૌથી મજબૂત દાવેદાર હતા, પરંતુ અચાનક તેને બદલે વિજય શંકરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું, જે એક ચોંકાવનારો નિર્ણય હતો.
રોબિન ઉથપ્પાએ વિરાટ કોહલી પર લગાવ્યો આરોપ
તાજેતરમાં પૂર્વ વિકેટકીપર-બેટ્સમેન રોબિન ઉથપ્પાએ વિરાટ કોહલી પર પક્ષપાતનો આરોપ લગાવતા કહ્યું હતું કે રાયડુ સાથે અન્યાય થયો છે. ઉથપ્પાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જો વિરાટ કોહલી કોઈને પસંદ ન કરતા હોય અથવા તેમને લાગતું હોય કે કોઈ ખેલાડી સારો નથી તો તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવતો હતો. રાયડુ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. તે વર્લ્ડ કપની કીટ, કપડાં બધું ઘરે રાખીને બેઠા હતા અને તેમને લાગતું હતું કે તે વર્લ્ડ કપ રમશે. પરંતુ અચાનક દરવાજો બંધ કરી દેવામાં આવ્યો. આ યોગ્ય નહોતું.
અંબાતી રાયડુએ વિરાટ કોહલીને લઈને શું કહ્યું
જોકે અંબાતી રાયડુએ આ મામલે સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે રોબિન ઉથપ્પાએ જે કહ્યું તે પૂરી રીતે સાચું છે. પરંતુ આ હંમેશા નહોતું. રાયડુએ ભારપૂર્વક જણાવ્યું કે વિરાટ કોહલીએ તેની કારકિર્દીમાં ઘણી વખત તેમને સપોર્ટ કર્યો છે. તેણે ઉમેર્યું કે તે નિર્ણય ફક્ત ક્રિકેટિંગ કારણોસર નહોતો, પરંતુ તે મેનેજમેન્ટનો કોલ હતો. તેમાં કોઈ એક કોચ, કેપ્ટન કે પસંદગીકારને જવાબદાર ઠેરવી શકાય નહીં.
રાયડુએ પુષ્ટિ કરી કે તેની પાસે 2019 વર્લ્ડ કપની જર્સી અને કીટ તૈયાર હતી. તેણે પોતાની નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે જો નંબર-4ના બેટ્સમેનને ન લેવાનો હોય તો ત્યાં ઓલરાઉન્ડરની શું જરૂર હતી? નંબર-4 પર એવા બેટ્સમેનની જરૂર હતી જે ટોપ ઓર્ડર અને લોઅર મિડલ ઓર્ડર વચ્ચે સેતુનું કામ કરી શકે, નહિ કે થ્રી-ડાયમેન્શનલ ખેલાડીની.