Mumbai Rain Latest News: મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ અને પૂરના કારણે 6 લોકોના મોત થયા છે અને અનેક લોકો લાપતા છે. નાંદેડ જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે અને ત્યાં 5 લોકો લાપતા છે. આ સમયગાળામાં બીડમાં 1, મુંબઈમાં 1 અને નાંદેડમાં 4 લોકોના મોત થયા છે. આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યના વિવિધ ભાગોમાં 18 NDRF ટીમો અને 6 SDRF ટીમો તૈનાત કરવામાં આવી છે. SDRF ટીમોએ નાંદેડના મુખેડ તાલુકામાંથી 293 લોકોને બચાવ્યા છે.
ઇન્ડિગો એરલાઇન્સે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી
મુંબઈમાં ભારે વરસાદે લોકો માટે આફત સર્જી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ઇન્ડિગો એરલાઇન્સે મુસાફરો માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં ફ્લાઇટ્સમાં વિક્ષેપ અને હવાઈ યાતાયાત પર અસર પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. કંપનીએ મુસાફરોને તેમની ફ્લાઇટ શેડ્યૂલ અગાઉથી તપાસવા, રસ્તામાં પાણી ભરાવા અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખવા, થોડો વધારાનો સમય રાખવા અને તેમના નોંધાયેલા સંપર્ક વિગતો અપડેટ રાખવા જણાવ્યું છે.

મોનોરેલમાં ફ્સાયેલ મુસાફરોનું રેસ્ક્યુ
ભારે વરસાદ વચ્ચે મુંબઈ મોનોરેલમાં ફસાયેલા 582 મુસાફરોને પણ સફળતાપૂર્વક બચાવી લેવાયા છે. આ પૈકી 23 મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, જેમનો 108 એમ્બ્યુલન્સના ડોક્ટરો દ્વારા ઘટના સ્થળે જ ઇલાજ કરાયો હતો. 2 દર્દીઓને વધુ સારવાર માટે સાયન હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
મોનોરેલ દુર્ઘટના મંગળવારે સાંજે મૈસૂર કોલોની નજીક ભક્તિ પાર્ક અને ચેમ્બુર સ્ટેશનો વચ્ચે બની હતી. આ ખામી ટ્રેનમાં નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ ભીડ હોવાને કારણે પાવર સપ્લાય ખોરવાઈ જવાથી સર્જાઈ હતી. અગ્નિશમન દળના જવાનોએ સ્નોર્કલ વાહનોનો ઉપયોગ કરીને મુસાફરોને બચાવ્યા અને તેમને નજીકના રેલવે સ્ટેશનો સુધી પહોંચાડવા માટે બેસ્ટ બસોનો ઉપયોગ કરાયો હતો. આ બચાવ અભિયાન પૂર્ણ થવામાં સાડા ત્રણ કલાકથી વધુ સમય લાગ્યો હતો.
VIDEO | Mumbai: Passengers being evacuated after a Monorail got stuck on an elevated track near Mysore Colony in Chembur.
— Press Trust of India (@PTI_News) August 19, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/XmLUgbawpT
મુસાફરોએ આ ઘટનાને ભયાવહ ગણાવી હતી, કારણ કે એર કંડિશનિંગ અને વીજળીના અભાવે તેમને ગૂંગળામણ અને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.