જાણો, બાળકને કેન્સરથી કેવી રીતે બચાવવું? ભારત અને વિશ્વમાં તેના કેસના આંકડા ચોકાવનારા

સ્ટર્લિંગ હોસ્પિટલ્સ સિંધુ ભવનના ઓન્કોલોજી વિભાગના સીનિયર ડૉક્ટર્સે નાની વયથી બાળકોની રોગપ્રતિકારકક્ષમતાને મજબૂત કરવાનાં મહત્વ પર ભાર મૂક્યો છે.

By: Hariom SharmaEdited By: Hariom Sharma Publish Date: Fri 14 Feb 2025 07:32 PM (IST)Updated: Fri 14 Feb 2025 07:32 PM (IST)
know-how-to-protect-your-child-from-cancer-shocking-statistics-of-its-cases-in-india-475475

અમદાવાદ: સ્ટર્લિંગ હોસ્પિટલ્સ સિંધુ ભવનના ઓન્કોલોજી વિભાગના સીનિયર ડૉક્ટર્સે નાની વયથી બાળકોની રોગપ્રતિકારકક્ષમતાને મજબૂત કરવાનાં મહત્વ પર ભાર મૂક્યો છે. વર્ષ 2024-25 માટે ઉપલબ્ધ આંકડાને આધારે ભારતમાં આશરે 75000 બાળકોમાં કેન્સરનાં કિસ્સાં નોંધાયા છે.

બાળપણમાં કેન્સર દુનિયાભરમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ચિંતાજનક બાબત તરીકે બહાર આવી છે, જેનો ભોગ દર વર્ષે વિશ્વમાં 200,000થી વધારે બાળકો બની રહ્યાં છે. એક ધારણા મુજબ, વર્ષ 2030 સુધીમાં 21 મિલિયન બાળકોમાં કેન્સરનું નિદાન થવાની અપેક્ષા છે. નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ પાસેથી પ્રાપ્ત આંકડાઓ મુજબ, ભારતમાં કેન્સરનાં તમામ કિસ્સાઓમાં અંદાજે 4 ટકા કિસ્સા બાળકોમાં વિવિધ પ્રકારનાં કેન્સર (0થી 14 વર્ષની વય ધરાવતા બાળકો)નાં છે. જોકે આ પ્રકારનાં વિવિધ કેન્સર સાથે સંકળાયેલા આનુવંશિક જોખમકારક પરિબળો, જીવનશૈલી અને પર્યાવરણને ચકાસતાં અભ્યાસોનો નોંધપાત્ર રીતે અભાવ છે, જે વસ્તીજન્ય સ્તરે રોગચાળાના અભ્યાસો સાથે સંબંધિત હોય. આ ફરક સારવારનાં અસરકારક વિકલ્પો વિકસાવવા આનુવંશિક અને પર્યાવરણ સાથે સંબંધિત પ્રભાવોમાં વધારે સંશોધન કરવાની જરૂરિયાત વ્યક્ત કરે છે.

તાજેતરમાં “બાળકોમાં સામાન્યપણે જોવા મળતાં વિવિધ કેન્સરઃ વાસ્તવિકતાઓ અને ભ્રમો” શીર્ષક સાથે એક મીડિયા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં ઓન્કોલોજી રેડિયેશન વિભાગના ડાયરેક્ટર ડૉ. પૂજા નંદવાની પટેલે બાળકોમાં કેન્સરનાં કિસ્સાઓમાં થઈ રહેલાં વધારા વિશે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ભલામણ કરી છે કે, “માતાપિતાઓએ પોતાના બાળકોમાં નાની વયથી રોગપ્રતિકારકક્ષમતા મજબૂત કરવા ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે આ રોગ સામે મુખ્ય પ્રાથમિક સુરક્ષાકવચ તરીકે કામ કરે છે. શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો, ભોજનની નબળી આદતો અને પર્યાવરણલક્ષી ફેરફારો જેવા પરિબળોનો સમન્વય થવાથી બાળકોનાં સ્વાસ્થ્ય પર મહત્વપૂર્ણ રીતે નકારાત્મક અસર થઈ છે.

માતાપિતાઓ તરીકે આપણે બાળકોમાં કેન્સરનું નિદાન થાય તો ભાવનાત્મક અને શારીરિક એમ બંને રીતે તૈયાર રહેવું પડશે. કેન્સર એક સારવાર થઈ શકે એવી બિમારી છે અને આ માટે સારવારની પીડા સામે ટકવા મજબૂત ઇચ્છાશક્તિની જરૂર પડે છે.”

સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં સર્જિકલ ઓન્કોલોજી વિભાગમાં સીનિયર કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત ડૉ. મંથમ મેરજાએ હેલ્થકેર વ્યવસાયિકો, નીતિનિર્માતાઓ, સંશોધકો અને જનતા વચ્ચે જોડાણ ઊભું કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેથી ભારતમાં દરેક બાળકને કેન્સર સામે લડવા તેમને જરૂરી ટેકો મળે એવી ખાતરી થાય." તેમણે ઉમેર્યું હતું કે, "આપણે એક સમાજ તરીકે આ હાંસલ કરી શકીએ, જેમ આપણે પોલિયો નાબૂદીની ઉપલબ્ધિ મેળવી છે, પરંતુ આ માટે દરેકની સક્રિય ભાગીદારી જરૂરી છે."

આ ઉપરાંત હિમેટો-ઓન્કોલોજી અને બોન મેરૉ ટ્રાન્સપ્લાન્ટમાં સીનિયર કન્સલ્ટન્ટ ડૉ. દીપા ત્રિવેદીએ સ્વાસ્થ્ય સાથે સંબંધિત અભિગમ પર જાણકાર હોવાનાં મહત્વ વિશે વાત કરી હતી. તેમણે સમજાવ્યું હતું કે, "આપણે બાળકોને વાર્તાઓ અને ફિલ્મો દ્વારા સારાં અને નરસાં ગુણો વચ્ચેનો ફરક સમજાવીએ છીએ. એ જ રીતે આપણે તેમની અંદર સ્વસ્થ રીતો અને શિસ્તને કેળવવી જોઈએ, જેમ કે સંતુલિત આહારનું સેવન કરવું. બાળકોમાં આત્મવિશ્વાસ વિકસાવવો અતિ આવશ્યક છે, કારણ કે જ્યારે તેઓ બિમારીનો સામનો કરે, ત્યારે તેઓ તેમાંથી બહાર આવી શકે."

ટૂંકમાં બાળકોમાં કેન્સરની સમસ્યાનું સમાધાન કરવા માટે વિવિધ પાસાં ધરાવતા અભિગમની જરૂર છે, જેમાં રોગનું નિવારણ કરે એવી સ્વાસ્થ્ય સંબંધિત અસરકારક રીતો, લાગણીની દ્રષ્ટિએ મજબૂત થવું અને આ સતત વધી રહેલી સ્વાસ્થ્ય સંબંધિત કટોકટીનો સામનો કરવા બાળકો વચ્ચે સ્વસ્થ જીવનશૈલીની પસંદગીને પ્રોત્સાહન આપવા જેવી બાબતો સામેલ છે.