Desi Chana Nu Rasawala Shaak: લગ્નપ્રસંગમાં હોય તેવું દેશી ચણાનું રસાવાળુ શાક બનાવવાની રેસિપી

મોટા ભાગના લગ્નમાં દેશી ચણાનું રસાવાળું શાક હોય જ છે. પરંતુ ઘરે જ્યારે દેશી ચણાનું શાક બનાવીએ ત્યારે એવાજ રસાવાળું દેશી ચણાનું શાક બનતું નથી.

By: Hariom SharmaEdited By: Hariom Sharma Publish Date: Sat 30 Aug 2025 07:00 PM (IST)Updated: Sat 30 Aug 2025 07:00 PM (IST)
rasawala-kala-chana-nu-shaak-black-chana-sabji-594429

Chana Nu Shaak Banavani Rit: મોટા ભાગના લગ્નમાં દેશી ચણાનું રસાવાળું શાક હોય જ છે. પરંતુ ઘરે જ્યારે દેશી ચણાનું શાક બનાવીએ ત્યારે એવાજ રસાવાળું દેશી ચણાનું શાક બનતું નથી. તો ગુજરાતી જાગરણ આજે તમને આની સરળ રેસિપી અને તે માટે કઈ કઈ સામગ્રી જોઈશે તેની વિગતે વાત કરે.

દેશી ચણાના શાકની સામગ્રી (Desi Chana Recipe Ingredients):

ચણા બાફવા માટે:

  • ચણા (કાળા/દેશી): 1 કપ
  • પાણી: 1.5 કપ
  • મીઠું: સ્વાદ મુજબ
  • તેલ: 1 નાની ચમચી

ગ્રેવી માટે (Onion-Ginger-Garlic-Green Chilli Paste):

  • ડુંગળી (મીડિયમ સાઈઝ): 2 નંગ (મોટા ટુકડામાં સમારેલી)
  • આદુ: 1 ઈંચનો ટુકડો
  • લસણ: 6-7 કળી
  • લીલા મરચા: 1-2 નંગ

ટમેટાની પેસ્ટ માટે:

  • ટમેટા (મીડિયમ સાઈઝ): 2 નંગ (મોટા ટુકડામાં સમારેલા)

મસાલા પેસ્ટ માટે:

  • કાશ્મીરી લાલ મરચું પાવડર: 2 ચમચી
  • ધાણા-જીરું પાવડર: 2 ચમચી
  • હળદર પાવડર: 1 નાની ચમચી
  • ચણા મસાલા: 1 નાની ચમચી (વધારાનો સ્વાદ)
  • પાણી: જરૂર મુજબ
  • વઘાર માટે:
  • તેલ: 3-4 ચમચી
  • જીરું: 1 નાની ચમચી
  • તમાલપત્ર: 1 નંગ
  • સૂકા લાલ મરચા: 2 નંગ
  • હિંગ: 1 નાની ચમચી

અન્ય સામગ્રી:

  • પાણી (ગ્રેવી માટે): 1 કપ
  • ગરમ મસાલા પાવડર: 1 નાની ચમચી
  • મીઠું: સ્વાદ મુજબ
  • કોથમીર: ગાર્નિશિંગ માટે
  • છેલ્લે વઘાર માટે (વૈકલ્પિક):
  • તેલ: 1 નાની ચમચી
  • કાશ્મીરી લાલ મરચું પાવડર: 1 નાની ચમચી

ઘરે લગ્નપ્રસંગમાં બને તેવું દેશી ચણાનું રસાવાળું શાક બનાવાની રીત (દેશી ચણાનું રસાવાળું શાક Desi Chana Nu Rasawala Shaak)

1). ચણા બાફવા:

સૌપ્રથમ, ચણાને આખી રાત પલાળી દો.
પ્રેશર કુકરમાં પલાળેલા ચણા, 1.5 કપ પાણી, સ્વાદ મુજબ મીઠું અને 1 નાની ચમચી તેલ ઉમેરો.
કુકરનું ઢાંકણ બંધ કરીને મધ્યમ આંચ પર 5-6 સીટી વગાડીને ચણાને બાફી લો.
ગેસ બંધ કરીને કુકર ઠંડુ થાય એટલે ચણાને બહાર કાઢી લો.

2). ડુંગળીની ગ્રેવી બનાવવી:

એક મિક્સિંગ જારમાં 2 મીડિયમ સાઈઝની સમારેલી ડુંગળી, 1 ઈંચ આદુ, 6-7 લસણની કળી અને 1-2 લીલા મરચા ઉમેરીને ઝીણી પેસ્ટ બનાવી લો.

3). ટમેટાની પેસ્ટ બનાવવી:

એક મિક્સિંગ જારમાં 2 મીડિયમ સાઈઝના સમારેલા ટમેટા ઉમેરીને ઝીણી પેસ્ટ બનાવી લો.

4). મસાલા પેસ્ટ બનાવવી:

એક વાટકીમાં 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 2 ચમચી ધાણા-જીરું પાવડર, 1 નાની ચમચી હળદર પાવડર અને 1 નાની ચમચી ચણા મસાલા લો.
તેમાં થોડું પાણી ઉમેરીને ઘટ્ટ પેસ્ટ બનાવી લો.

5). શાક બનાવવાની શરૂઆત:

એક કડાઈમાં 3-4 ચમચી તેલ ગરમ કરો.
તેલ ગરમ થાય એટલે તેમાં 1 નાની ચમચી જીરું, 1 તમાલપત્ર, 2 સૂકા લાલ મરચા અને 1 નાની ચમચી હિંગ ઉમેરીને સાંતળી લો.
હવે તેમાં તૈયાર કરેલી ડુંગળી-આદુ-લસણ-લીલા મરચાની પેસ્ટ ઉમેરો.
પેસ્ટને બ્રાઉન કલરની થાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી મધ્યમથી ધીમી આંચ પર સાંતળી લો.
ત્યારબાદ તેમાં તૈયાર કરેલી મસાલા પેસ્ટ ઉમેરો અને તેને પણ તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.
હવે તેમાં તૈયાર કરેલી ટમેટાની પેસ્ટ ઉમેરીને તેલ છૂટું પડે ત્યાં સુધી સારી રીતે સાંતળી લો.
તમે જોશો કે શાક માટેની એકદમ સ્મૂથ ડુંગળીની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે.

6). બાફેલા ચણા અને પાણી ઉમેરવું:

તૈયાર ગ્રેવીમાં બાફેલા ચણા ઉમેરો.
સાથે 1 કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો.
કડાઈને ઢાંકીને મધ્યમથી ધીમી આંચ પર લગભગ 5-6 મિનિટ સુધી શાકને ઉકળવા દો.

7). મસાલા :

ઢાંકણ ખોલીને શાકને ફરીથી મિક્સ કરો.
હવે તેમાં 1 નાની ચમચી ગરમ મસાલા પાવડર અને જો ઇચ્છો તો થોડો ચણા મસાલા ઉમેરો.
બધું બરાબર મિક્સ કરીને શાકને 1-2 મિનિટ માટે ધીમા તાપે રહેવા દો જેથી મસાલાનો સ્વાદ શાકમાં ભળી જાય.
ગેસ બંધ કરો અને તાજી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરો.

8). વઘાર (વૈકલ્પિક):

એક નાના પેનમાં 1 નાની ચમચી તેલ ગરમ કરો.
તેમાં 1 નાની ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીને તરત જ ગેસ બંધ કરી દો.
આ વઘારને તૈયાર શાક ઉપર રેડી દો અને ધીમેથી મિક્સ કરી લો. તો તૈયાર છે ગુજરાતી લગ્ન પ્રસંગમાં રસોયા બનાવે તેવું એકદમ ટેસ્ટી અને મસાલા ગ્રેવીવાળું રસાવાળું ચણાનું શાક!