Gujarati Churma Ladoo: ગણેશ ચતુર્થી પર બનાવો ગુજરાતી ચુરમા ના લાડવા

ચુરમાના લાડવા (ચુરમાના લાડુ) એ પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે, જે ખાસ કરીને ગણેશ ચતુર્થી જેવા તહેવારો પર બનાવવામાં આવે છે. આ રેસીપીમાં પરફેક્ટ માપ સાથે

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Wed 20 Aug 2025 03:03 PM (IST)Updated: Wed 20 Aug 2025 03:03 PM (IST)
gujarati-churma-ladoo-with-jaggery-recipe-for-ganesh-chaturthi-588668

Churma Ladoo Recipe | Gujarati Churma Laddu Recipe: ટૂંક સમયમાં ગણેશ ચતુર્થી આવી રહી છે. ઘરે ઘરે ગણપતીજીને બિરાજમાન કરવામાં આવશે. ત્યારે મોટા ભાગના ઘરોમાં ચુરમાના લાડવા બનતા હોય છે. ત્યારે ગણપતીને પ્રિય ચુરમાના લાડુ બનાવવાની રેસિપી ગુજરાતી જાગરણ અહીં જણાવી રહ્યું છે.

ચુરમાના લાડવા (ચુરમાના લાડુ) એ પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે, જે ખાસ કરીને ગણેશ ચતુર્થી જેવા તહેવારો પર બનાવવામાં આવે છે. આ રેસીપીમાં પરફેક્ટ માપ સાથે સ્વાદિષ્ટ અને ખસખસવાળા લાડવા બનાવવાની રીત જાણો.

ગોળ ચુરમા ના લાડુ પરફેક્ટ માપ સાથે | churma ladoo with jaggery | ગુજરાતી સ્ટાઇલ ચુરમાના લાડુ

ચુરમાના લાડુ બનાવવાની સામગ્રી :

લોટ અને મુઠીયા માટે:

  • ઘઉંનો કરકરો લોટ: 1 કપ (જો કરકરો લોટ ન હોય તો ઘઉંના ઝીણા લોટમાં થોડો રવો ઉમેરી શકાય છે).
  • તેલ (મોણ માટે): 1/4 કપ (મોણ સારી રીતે મસળવું, જેથી લાડવા ખસખસવાળા બને).
  • ગરમ પાણી: 1/4 કપ (અથવા જરૂર મુજબ).

મુઠીયા તળવા માટે:

  • તેલ: જરૂર મુજબ (મુઠીયા તળવા માટે).

લાડવાના મિશ્રણ માટે:

  • ઘી: 1/4 કપ.
  • દેશી ગોળ (અથવા ઓર્ગેનિક ગોળ): 1/2 કપ.
  • બદામના ટુકડા: 1/4 કપ.
  • કાજુના ટુકડા: 1/4 કપ.
  • સૂંઠ પાવડર: 1 ચમચી (આ લાડવાને પચવામાં હલકા બનાવે છે).
  • ઈલાયચી પાવડર: 1 ચમચી.
  • ખસખસ: 2 મોટી ચમચી (ગાર્નિશિંગ માટે).

ચુરમાના લાડુ બનાવવાની રીત : (ગુજરાતી સ્ટાઇલ ચુરમાના લાડુ | Churma Na ladva Recipe )

1). મુઠીયાનો લોટ બાંધવો:

  • સૌ પ્રથમ, એક મોટા બાઉલમાં 1 કપ ઘઉંનો કરકરો લોટ લો.
  • તેમાં 1/4 કપ તેલનું મોણ ઉમેરો. મોણને લોટમાં એકદમ સારી રીતે મસળી લો, જેથી લોટ હાથમાં દબાવતા મુઠ્ઠી વળી જાય અને ભાંગતા તરત તૂટી ન જાય. આનાથી લાડવા ખસખસવાળા બનશે.
  • હવે, 1/4 કપ ગરમ પાણી થોડું થોડું કરીને ઉમેરો અને કડક લોટ બાંધો. લોટને ખૂબ મસળવાની જરૂર નથી, બસ ભેગો થઈ જાય તેટલો જ બાંધો. પાણી વધારે ન ઉમેરવું, જેથી લોટ ઢીલો ન થઈ જાય.

2). મુઠીયા તૈયાર કરવા:

  • લોટમાંથી થોડો ભાગ લઈને તેને હાથથી દબાવીને મુઠીયાનો આકાર આપો. બધા લોટમાંથી આ રીતે મુઠીયા તૈયાર કરી લો.

૩). મુઠીયા તળવા:

  • એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ધીમા તાપે ગરમ થવા દેવું.
  • ગરમ તેલમાં તૈયાર કરેલા મુઠીયાને ધીમે ધીમે ઉમેરો.
  • મુઠીયાને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. શરૂઆતમાં મુઠીયાને પલટાવવા નહીં, જ્યારે તે થોડા કડક થાય ત્યારે જ તેને પલટાવો.
  • વધારે પડતા ગેસ પર તળવાથી મુઠીયા અંદરથી કાચા રહી શકે છે અને બહારથી કાળા પડી શકે છે. જો મુઠીયા કાચા રહેશે તો લાડવા કઠણ બનશે અને જો વધારે તળાશે તો તેલ પી જશે.
  • લગભગ 15 થી 20 મિનિટમાં મુઠીયા તળાઈ જશે.
  • તળેલા મુઠીયાને એક પ્લેટમાં કાઢીને સારી રીતે ઠંડા થવા દો.

4). મુઠીયાનો ભૂકો બનાવવો (ચુરમુ બનાવવું):

  • મુઠીયા ઠંડા થાય પછી, તેના નાના નાના ટુકડા કરી લો.
  • તૈયાર ટુકડાને મિક્સર ગ્રાઈન્ડરમાં લઈ, ફક્ત 4-૫ સેકન્ડ માટે ચાલુ-બંધ કરીને ભૂકો કરો. લોટનો કરકરો ભાગ જાળી જેવો રહે તે રીતે ભૂકો કરવો. જો ભૂકો વધારે ઝીણો થઈ જશે તો લાડવા બેસી જશે અને ખસખસવાળા નહીં બને.

5). ડ્રાયફ્રુટ્સ અને ગોળ-ઘી મિશ્રણ તૈયાર કરવું: (Churma Ladoo Recipe)

  • એક કડાઈમાં 1/4 કપ ઘી ગરમ કરો.
  • ઘી ગરમ થાય એટલે તેમાં 1/4 કપ બદામના ટુકડા અને 1/4 કપ કાજુના ટુકડા ઉમેરીને ધીમા તાપે શેકી લો.
  • હવે ગેસ બંધ કરીને, કડાઈમાં 1/2 કપ દેશી ગોળ ઉમેરો અને ઘીની ગરમીથી તેને ઓગળવા દો. ગોળને વધારે ગરમ કરવાથી લાડવા કઠણ બની શકે છે.
  • ગોળ સારી રીતે ઓગળી જાય અને ઘી સાથે ભળી જાય પછી, તેમાં 1 ચમચી સૂંઠ પાવડર અને 1 ચમચી ઈલાયચી પાવડર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.

6). લાડવા વાળવા: (ચુરમાના લાડુ કેવી રીતે બનાવવા | Churma Na Ladu Banavani Rit)

  • તૈયાર કરેલા મુઠીયાના ભૂકા (ચુરમા) ને એક મોટા વાસણમાં લો.
  • તેમાં તૈયાર કરેલું ગરમ ઘી-ગોળ અને ડ્રાયફ્રુટ્સનું મિશ્રણ ઉમેરો.
  • ચમચાની મદદથી અથવા હાથથી બધી સામગ્રીને એકદમ સારી રીતે મિક્સ કરી લો, જેથી ગોળ અને ઘી ચુરમામાં સારી રીતે ભળી જાય.
  • જ્યારે મિશ્રણ હૂંફાળું હોય ત્યારે, તેને દબાવીને લાડવાનો આકાર આપો. જો લાડવા ન વળાય તો થોડું ગરમ ઘી ઉમેરી શકાય છે.
  • તૈયાર લાડવાને ખસખસમાં રગદોળીને ગાર્નિશ કરો. તમારા ગરમાગરમ અને સ્વાદિષ્ટ ચુરમાના લાડવા તૈયાર છે!.