Bharela Marcha Na Bhajiya Recipe: ભરેલા મરચાના ભજીયા સાંજના નાસ્તામાં ચા સાથે બેસ્ટ ઓપ્શન છે. બરાબર ભૂખ લાગી હોય અને પ્લેટમાં મરચાના પકોડા અને ચા હોય તો મજા પડી જતી હોય છે. ગુજરાતી જાગરણ અહીં સ્ટેપ બાય સ્ટેપ તમને જણાવશે મિર્ચી વડાની રેસિપી. તો ચાલો આજે બનાવીએ ભરેલા મરચાના ભજીયા.
ભરેલા મરચાંના ભજીયા માટેની સામગ્રી:
- 8-10 મોટા લીલા મરચાં
- 1 ચણાનો લોટ
- 1/2 કપ બાફેલા બટાકા
- 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
- 1/2 ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચું પાવડર
- 1 ચમચી ધાણા-જીરું પાવડર
- 1/2 ચમચી ગરમ મસાલો (વૈકલ્પિક)
- 1 ચમચી લીંબુનો રસ
- મીઠું (સ્વાદ પ્રમાણે)
- 1-2 ચમચી તેલ (ભરણ માટે)
બેટર માટે:
- 1 કપ બેસન
- 1/4 ચમચી હળદર
- 1/2 ચમચી લાલ મરચું પાવડર
- ચપટી બેકિંગ સોડા (વૈકલ્પિક)
- મીઠું (સ્વાદ પ્રમાણે)
- પાણી (જરૂર મુજબ)
તળવા માટે:
- તેલ
બનાવવાની રીત:
- મરચાં તૈયાર કરવા: મરચાંને ધોઈને સાફ કરો. તેને લંબાઈમાં ચીરો પાડો અને બીજ કાઢી નાખો (જો ઓછું તીખું રાખવું હોય તો).
- એક બાઉલમાં મેશ કરેલા બટાકા લો. તેમાં આદુ-લસણની પેસ્ટ, હળદર, લાલ મરચું પાવડર, ધાણા-જીરું પાવડર, ગરમ મસાલો, લીંબુનો રસ, મીઠું અને 1-2 ચમચી તેલ ઉમેરો. બટાકાની જગ્યાએ તમે ચવાણા-ગાંઠીયાનો ભૂકો પણ લઈ શકો છો. બધું સારી રીતે મિક્સ કરો. આ ભરણ તૈયાર છે. હવે આ મિશ્રણને ચમચી કે હાથથી મરચાંની અંદર ભરો. ખૂબ બળથી ન ભરવું જેથી મરચાં ફાટે નહીં.
- બેટર તૈયાર કરવું: એક બાઉલમાં બેસન, હળદર, લાલ મરચું પાવડર, બેકિંગ સોડા અને મીઠું લો. ધીમે-ધીમે પાણી ઉમેરતા જાઓ અને ગઠ્ઠા ન પડે તે રીતે બેટર તૈયાર કરો. બેટર ન તો બહુ પાતળું કે ન તો બહુ ઘટ્ટ હોવું જોઈએ, જેથી મરચાં પર સરસ લપેટાઈ જાય.
- ભજીયા તળવા: એક કઢાઈમાં તેલ ગરમ કરો (મધ્યમ આંચ પર). ભરેલા મરચાંને ખીરામાં ડુબાડો જેથી બધી બાજુએથી બેટર લાગી જાય. ગરમ તેલમાં ધીમે-ધીમે મરચાં નાખો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. વચ્ચે-વચ્ચે ફેરવતા રહો. તળાઈ જાય પછી ટીશ્યુ પેપર પર કાઢી લો જેથી વધારાનું તેલ નીકળી જાય.
- પીરસવાની રીત: ભરેલા મરચાંના ભજીયાને ગરમા-ગરમ લીલી ચટણી, લસણની ચટણી કે ટામેટાના સોસ સાથે પીરસો. ચા સાથે આનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે!