કિશન પ્રજાપતિ, અમદાવાદઃ
Patang Hotel Ahmedabad: અમદાવાદની આગવી ઓળખ એટલે પતંગ હોટેલ (રિવોલ્વિંગ રેસ્ટોરાં), જે હવે નવાં કલેવરમાં 24 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. છેલ્લાં ચારેક વર્ષથી પતંગ હોટેલ તેના રિનોવેશનને લીધે બંધ હતી. જોકે, હવે કમ્પલિટ રિનોવેશન થઈ ગયું છે. હવે પતંગ હોટેલમાં ઇન્ટરનેશનલ ફૂડનો અમદાવાદી ચટાકો સ્વાદરસિકો માણી શકશે. એટલું જ નહીં પતંગ હોટેલનું વર્લ્ડ ક્લાસ યુરોપિયન સ્ટાઇલ ઇન્ટીરિઅર પણ લોકોનું મન મોહી લેશે. ત્યારે પતંગ હોટેલના રિનોવેશન બાદ ગુજરાતી જાગરણની ટીમે રિવોલ્વિંગ રેસ્ટોરાંના માર્કેટિંગ મેનેજર સમ્રાટ દવે સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે રસપ્રદ માહિતી શેર કરી હતી. જેમના શબ્દશઃ અમે અહીં રજૂ કરી રહ્યા છીએ.
''રેસ્ટોરાં ચાલું કન્ડિશનમાં રાખીને રિનોવેશન કરવું ખૂબ જ અઘરું હતું''
ઘણાં વર્ષોથી ટેક્નિકલ રિઝનને લીધે હોટેલ બંધ હતી. કારણ કે, વર્ષો જૂનું બાંધકામ હોવાથી રિનોવેશનની જરૂર હતી. આ એક મોન્યુમેન્ટ એવું હતું કે, ચાલું કન્ડિશનમાં રાખીને રિનોવેશન કરવું ખૂબ જ અઘરું હતું. પતંગની વર્ષોથી ફ્લેવર હતી એને બદલી નવા અભિગમ સાથે લાવવાનો વિચાર હતો. એટલે છેલ્લાં ચારેક વર્ષથી હોટેલ બંધ હતી.
''યુરોપિયન ગ્લોબ સ્ટાઇલનું ઇન્ટિરિઅર બનાવ્યું છે''
ઇન્ટીરિઅરની વાત કરીએ તો પતંગ હોટેલને 360 ડિગ્રીનો મેકઓવર આપ્યો છે. એટલે જે લોકો પહેલાં ગેસ્ટ બનીને પતંગ હોટેલમાં આવ્યા છે એમને ઉપર ગયા પછી નવા અંદાજમાં અને નવાં ઇન્ટીરિઅર સાથેનો લૂક જોવા મળશે. જેમાં ખાલી ઇન્ડિયા લેવલનું નહીં પણ ગ્લોબલ લેવલના ઇન્ટીરિઅર્સને, તેના ટ્રેન્ડ્સ અને વર્લ્ડ લેવલના માપદંડો ધ્યાનમાં રાખીને આ વખતે ઇન્ટીરિઅર બનાવવામાં આવ્યું છે. પહેલી વખત આખેઆખું યુરોપિયન ગ્લોબ સ્ટાઇલનું ઇન્ટિરિઅર ડિઝાઈન અને તેને લગતી લાઈટિંગથી માંડીને એમ્બિયન્સ બનાવાયો છે. એટલે નીચે પતંગમાં જ્યાંથી એન્ટર થાવ ત્યારથી ઉપર સુધી અલગ અનુભવ મળશે.
''ફોટો ગેલેરી અને ઓડિયો-વીડિયો પ્રેઝન્ટેશન જેવા આકર્ષણો''
આ માત્ર એક રેસ્ટોરાં સુધી સિમિત ના રાખ્યા ઉપરાંત એમાં બીજી ત્રણ વસ્તુ એડ કરી છે. જેમાં એક તો અમદાવાદની ઝાંખી. જેમાં અમદાવાદના તહેવાર અને સામાજિક વ્યવસ્થા સહિત અમદાવાદને રજૂ કરે છે એવું એક ઓડિયો વિઝુઅલ પ્રેઝન્ટેશન કર્યું છે. તે માટે એક રૂમ એલોટ કરાયો છે. જેમાં અમદાવાદનો 360 ડિગ્રી વિકાસ અને અમદાવાદની માહિતી હશે. આ ઉપરાંત એક ફોટો ગેલેરી બનાવવામાં આવી છે. જેમાં પતંગ હોટેલના ફોટોગ્રાફ્સની સાથે અમદાવાદના જૂનાં ફોટોગ્રાફ્સ રાખવામાં આવ્યા છે.
પતંગ હોટેલમાં એન્ટર થયા પછી ફોટો ગેલેરી અને ઓડિયો-વીડિયો પ્રેઝન્ટેશન એમ બે મુખ્ય આકર્ષણો જોવા મળશે. આ પછી લોકોને ડાઇનિંગનો એક્સપિરિયન્સ મળી શકશે. અમારો સ્ટાફ લોકોને આ ખૂબ જ ઇન્ટેલેક્ચ્યુઅલ રીતે જાણમાં લાવશે કે, તમે આ જોઈને પછી ઉપર જાવ.
''ફ્લોરને એકવાર 360 ડિગ્રી ફરતાં 45 મિનિટનો સમય લાગશે''
રિવોલ્વિંગ રેસ્ટારાંનો જે વિચાર છે અને રિવોલ્વિંગ રેસ્ટારાં કરવું સાંભળવામાં સરળ લાગે છે એટલું પ્રેક્ટિકલી અઘરું છે. કારણ કે, તેની સ્પીડ કન્ટ્રોલ કરવી. તેની ઉપર બેસેલાં લોકોને જરાપણ અગવડતા ના પડે, તેમને કોઈ ચક્કર આવે તે રીતે સ્પીડને મેઇન્ટેન કરવા માટે એન્જિનિયર્સ લાગેલા હતા અને અત્યારે પણ રહેશે. આ વખતે જે સ્લોટ છે તે દોઢ કલાકનો છે. જેમાં 360 ડિગ્રીનો વ્યૂ એકદમ શાંતિથી બેઠાં-બેઠાં મળી જશે. એક રાઉન્ડ પૂરું થતાં 45 મિનિટનો સમય લાગશે. જો લોકો પાસે સમય હશે તો દોઢ કલાકમાં બે રાઉન્ડની મજા માણી શકશે.
''ગ્લોબલ સ્ટાન્ડર્ડના ક્યુઝિન જે અમદાવાદ પહેલીવાર જોશે''
ઇન્ડિયાના પહેલાં માસ્ટર શેફ અજય ચોપરાને પહેલીવાર અમદાવાદમાં ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ અને જે પણ મેનુ ડિઝાઈન કર્યા છે તે ગ્લોબલ સ્ટાન્ડર્ડના ક્યુઝિન જે અમદાવાદ પહેલીવાર જોશે. આ તમામ વાનગીઓ અજય ચોપરાના નેતૃત્વ હેઠળ ડિઝાઈન કરવામાં આવી છે. અમદાવાદના સ્વાદ રસિકો માટે કોઈપણ બાંધછોડ ના થાય તેનું પુષ્કળ ધ્યાન રાખવામાં આવ્યું છે.
''1000થી 1500 રૂપિયાની પર ડિશ પ્રાઇઝિંગ હશે''
પ્રાઇઝિંગ અનલિમિટેડ ક્યુઝિંગનું હોય છે એ જ રીતનું છે. એમાં મેનુના પણ વેરિએશન છે. અત્યારની ગણતરી પ્રમાણે 1000થી 1500 રૂપિયાની પર ડિશ પ્રાઇઝિંગ હશે.
''80 લોકોનો સ્ટાફ ખડેપગે રહેશે''
અત્યારે આખી પતંગ હોટેલ મેનેજ કરવા માટે 80 લોકોનો સ્ટાફ ખડેપગે છે. જે ઓલ ઓવર ઇન્ડિયાના બેસ્ટ શેફ, બેસ્ટ કેપ્ટન હોય. જેમણે ફાઇવ સ્ટારથી નેશનલ ઇન્ટરનેશનલ લેવલે હોસ્પિટાલિટીમાં કામ કર્યું હોય તેમનું ખૂબ જ મોટી સિલેક્શન પ્રક્રિયા પછી પસંદ કરવામાં આવ્યા છે. અહીં આવતાં અબજપતિ અને દિવ્યાંગ બાળકને સમાન ટ્રિટમેન્ટ મળી શકે એ પ્રકારની વ્યવસ્થા છે.
''ઉમંગ સે પતંગ તક ઇનિશિએટિવ શરૂ કરીશું''
એક સાથે 150 લોકો જમી શકે એ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, કોઈનું એક્સક્લુઝિવ ફંક્શન હોય તો આપણે તેના માટે વિચારીશું. અમે એક ઇનિશિએટિવ લઈ રહ્યા છીએ. મોટાભાગે કોઈપણ રેસ્ટોરાં હોય તેનો ઉદ્દેશ કોમર્શિઅલ જ હોય છે. પતંગ એક હેરિટેજ મોન્યુમેન્ટ હોવાને કારણે આપણે ''પતંગ સે ઉમંગ'' તક ઇનિશિએટિવ કરી રહ્યા છીએ. જેમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે દરેક અઠવાડિયામાં એક દિવસે ગુજરાતમાંથી 75 NGOને સિલેક્ટ કર્યા છે. દર અઠવાડિયે તેમના બાળકો અથવા સિનિયર સિટીઝન સહિતના લોકોને ડિનર ફ્રીમાં કરાવીશું.
પતંગ હોટેલના બિલ્ડિંગ પર લેસર પ્રોજેક્શન મેપિંગ કરાશે
આવનારા વખતમાં પતંગ હોટેલ પર જે અત્યારે બુર્ઝ ખલિફા પર થાય છે એવું લેસર પ્રોજેક્શન મેપિંગ કરાશે. એ પહેલીવાર ઇન્ડિયામાં પતંગ માટે અમેરિકાથી લાવી રહ્યા છીએ. જેને શરૂ થતાં હજુ બેથી અઢી મહિના થશે. એ જે બુર્ઝ ખલિફાનો અનુભવ લોકોને મળી રહ્યો છે એવું જ લેસર પ્રોજેક્શન મેપિંગ આપણને પંતગ પરથી પણ મળશે.
''પતંગ સે ઉમંગ''નો વિચાર કોનો હતો?
આ વિચાર ઉમંગભાઈના સન નિલ ઠક્કરનો હતો. તેમની વાઇફ અસ્મિતા ઠક્કર પણ સામાજિક કાર્યકર્તા છે. તેમણે નક્કી કર્યું કે, આપણી પાસે એક હેરિટેજ બાંધકામ છે તો શા માટે તેનો ઉપયોગ આ રીતે લોકો માટે કરીએ. જે પછી ''પતંગ સે ઉમંગ'' સુધીનો ઇનિશિએટિવ નક્કી કરાયો હતો. આ માટે ઘણાં NGO તરફથી સપોર્ટ મળ્યો છે. પતંગમાં ઉંચાઈએથી જૂનું અને નવું અમદાવાદ જોવાનો લ્હાવો બાળકોથી માંડીને વૃદ્ધ લોકો માણી શકશે.
ફેમિલી સાથે આવતા લોકો માટે પાર્કિંગની શું વ્યવસ્થા છે?
પતંગ નેહરુબ્રિજના છેડે આવેલી છે. જે પણ ફેમિલી આવશે તેમના વ્હીકલ પાર્ક કરવા માટે હ્યુજ પ્લોટ અને અંડર ગ્રાઉન્ડ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કોઈ લોકોને તકલીફ થશે નહીં.
રિવરફ્રન્ટ પર ક્રૂઝ પણ અવેલેબલ છે તો પતંગ હોટેલ માટે ચેલેન્જીસ લાગી રહ્યું છે?
સાચું કહું તો પતંગ હોટેલની કોમ્પિટિશન તેની પોતાના જ જૂના સ્ટાન્ડર્ડ સાથેની છે. કારણ કે, આ પ્રકારની રેસ્ટોરાં કોઈ પણ અનુભવ સાથે સરખાવી શકાય નહીં. અમે લોકોએ ભૂતકાળમાં જે આપ્યું છે તેને કેવી રીતે બેટર કરી શકીએ એ ચેલેન્જ છે. શહેરમાં ઘણી થીમ બેઝ રેસ્ટોરાં છે અને તે સારું કરી રહી છે તેમને પણ અમારી શુભેચ્છા છે. અમે તેને કોઈ કોમ્પિટિશન કે ચેલેન્જ તરીકે જોતા નથી. પતંગ જે રીતે લોકોના દિમાગમાં છવાયેલી છે અને યાદો જોડાયેલી છે તે રીતે અમને ચોક્કસ લાગે છે કે, અમે લોકોને નવી મેમરી બનાવી શકીશું.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.