Anju Nasrullah Love Story: પોતાના પ્રેમને મેળવવા પાકિસ્તાન ગયેલી અંજૂ હવે ભારત આવવા માગે છે. સોશિયલ મીડિયા થકી મિત્રતા થયા બાદ પાકિસ્તાનમાં રહેતા નસરુલ્લાહને મળવા માટે અંજૂ પાકિસ્તાન જતી રહી છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાનના ખૈબર પખતૂખ્વામાં રહેતા નસરુલ્લાહ સાથે અંજૂએ નિકાહ પણ કરી લીધા છે. અંજૂ અચાનક જ પાકિસ્તાન જતા રહેલા ભારતમાં રહેતા તેના પરિવારવાળા ઘણાં જ પરેશાન છે. પાકિસ્તાનમાં પણ અંજૂને એક વર્ષના વીઝા મળી ગયા છે. પણ હવે અંજૂ પરત ભારત આવવા માગે છે.
બીબીસીને આપેલા એક ઈન્ટરવ્યૂમાં અંજૂએ કહ્યું કે- તે ભારત આવવા માગે છે અને મીડિયાના સવાલોના જવાબ આપવા માગે છે. ફોન પર આપેલા એક ઈન્ટરવ્યૂમાં અંજૂએ કહ્યું- અહીં બધું જ પોઝિટિવ છે. બધી જ વાતનો ખ્યાલ આવશે કે હું કયા પ્લાનિંગ સાથે અહીં આવી હતી, પરંતુ શું વિચાર્યું હતું અને શું થઈ ગયું. ઉતાવળમાં મારાથી કોઈને કોઈ ભૂલ પણ થઈ છે. પાકિસ્તાનમાં જે કંઈ થઈ રહ્યું છે તેનાથી ભારતમાં મારા પરિવારનું ઘણું જ અપમાન કરાયું છે અને આ વાતથી હું ઘણી જ દુઃખી છું.
પોતાના બાળકો અંગે વાત કરતા અંજૂએ કહ્યું- બાળકોના મનમાં પણ મને લઈને એક ઈમેજ બની હશે, તેથી ઈચ્છું છું કે હું ત્યાં જવું. ત્યાં જઈને ત્યાંની મીડિયાના સવાલોનો સામનો કરવા માગુ છું, કેમકે તેમના માટે મારી પાસે અનેક સવાલોનો જવાબ છે.
અંજૂએ કહ્યું કે- તે મીડિયાની સામે આવીને તેમના સવાલોનો જવાબ આપશે અને તે તેમણે જણાવવા માગે છે કે પાકિસ્તાન જવું તેમનું અંગત કારણ હતું અને પાકિસ્તાનમાં તેની સાથે કોઈ જ ખરાબ વર્તન નથી કરાયું. તેને સારી રીતે રાખવામાં આવી રહી છે. અંજૂએ કહ્યું કે- ભારતમાં રહેતા પોતાના બાળકોને પણ મિસ કરે છે અને તેને મળવા માગે છે.
અંજૂએ કહ્યું- મેં પહેલા પણ મારા બાળકોને મારી માતે પાસે એક વર્ષ માટે છોડ્યા છે. પરંતુ હાલ મારી તેમની સાથે વાત નથી થઈ રહી. બધાં જ મારાથી નારાજ છે. પણ મારે તેમનો સામનો કરવો છે. તેઓ મને કંઈ પણ કહે હું ભારત જઈને તેમને ફેસ કરીશ.