Gir Somnath News: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના આશીર્વાદ લેવા આવ્યા હતા, ત્યારે તેમણે સોમનાથ કોરિડોરના વિવાદ અંગે પ્રભાસ હિત રક્ષક સમિતિ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે પ્રોજેક્ટને કારણે જમીન સંપાદન પ્રક્રિયા દરમિયાન ઊભા થયેલા મુદ્દાઓ પર ચર્ચા કરી. મુખ્યમંત્રીએ સમિતિને ખાતરી આપી કે ગામના હિતો સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.
આ બેઠકમાં સમિતિના 10થી વધુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મુખ્યમંત્રી સમક્ષ પોતાની ચિંતાઓ વ્યક્ત કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે સોમનાથ ટ્રસ્ટમાં સચિવ યોગેન્દ્ર દેસાઈની નિમણૂક બાદ ગામ અને મંદિર વચ્ચેનો સંબંધ તૂટ્યો છે. સમિતિએ એમ પણ જણાવ્યું કે આ કોરિડોર મુદ્દે ગામના લોકોમાં વ્યાપક રોષ છે.
બેઠક બાદ, પ્રભાસ હિત રક્ષક સમિતિના ઉપપ્રમુખ બાલાભાઈ શામળાએ જણાવ્યું કે મુખ્યમંત્રીએ તેમની તમામ વાતો ધ્યાનપૂર્વક સાંભળી અને ગામના હિતોનું રક્ષણ કરવાની ખાતરી આપી છે. તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના ઉપપ્રમુખ જયવર્ધન તુલજાશંકર જાનીએ પણ જણાવ્યું કે મુખ્યમંત્રી સાથે ઐતિહાસિક દ્રષ્ટિએ પ્રભાસ ક્ષેત્રનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને ઘણા મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા થઈ. તેમણે આશા વ્યક્ત કરી કે આવનારા સમયમાં આ પ્રોજેક્ટ સુચારુ રૂપે આગળ વધી શકશે.
આ પણ વાંચો
સોમનાથ કોરિડોરનો વિરોધ અને વિવાદ
સોમનાથ કોરિડોરના નિર્માણ માટે મિલકતો સંપાદન કરવાની કામગીરી શરૂ થતાં જ સ્થાનિક લોકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. સરકારે જંત્રી કરતા ઊંચા ભાવ આપવાની જાહેરાત કરી હોવા છતાં, આ વિરોધ શાંત થયો નથી. 384 મિલકત ધારકોએ ભેગા મળીને પ્રભાસ પાટણ હિત રક્ષક સમિતિની રચના કરી છે, જેણે પ્રાંત કક્ષાથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે કે કોરિડોરનું નિર્માણ સોમનાથ ટ્રસ્ટની પોતાની જમીન પર જ થવું જોઈએ. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા મિલકતો માટે કોઈ નિશ્ચિત કિંમત જાહેર કરવામાં આવી નથી અને તેઓને વૈકલ્પિક રહેઠાણની કોઈ ખાતરી પણ આપવામાં આવી નથી.
કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટની જેમ જ, સોમનાથ કોરિડોર પણ ઝડપી ગતિએ આકાર લઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ માટે મંદિરની આસપાસની 25 હજાર ચોરસ મીટર જમીન સંપાદિત કરવામાં આવશે. આ સંપાદનમાં સાગરદર્શન ગેસ્ટ હાઉસથી લઈને હાટ બજાર સુધીની કુલ ૩૮૪ મિલકતોનો સમાવેશ થાય છે. જેમાં ૨૫૦ નાના-મોટા મકાનો, 72 હોટલ, 4 ધાર્મિક સ્થળો અને કેટલીક સરકારી મિલકતોનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારને વધુ સુવ્યવસ્થિત અને સુંદર બનાવવાનો છે.