Vapi News: જાહેરમાં થયેલા હુમલાના આ દ્રશ્યો CCTVમાં પણ કેદ થયા હતા. આ હુમલામાં યુવકને ગંભીર ઈજા પણ પહોંચી હતી. તેથી તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બીજી બાજુ પોલીસે બંને આરોપીને પકડી પાડ્યા છે.
આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, વલસાડ જિલ્લાના વાપી શહેરના મોટી સુલપડ વિસ્તારમાં ગઈકાલે સાંજે એક યુવક પર હુમલાની ઘટના સામે આવી હતી. બિહારી નગર તરફ જઈ રહેલા 23 વર્ષીય અનમોલ શર્મા પર બે શખ્સોએ પથ્થર વડે હુમલો કર્યો હતો.
અનમોલ વાપી મોટી સુલપડમાં યોગેશભાઈની ચાલીમાં વસવાટ કરતો હતો. આરોપી પ્રવીણ પટેલ અને ચેતન પટેલે અનમોલને ગ્રાઉન્ડમાં મળ્યા બાદ પાછળથી પકડી લીધો હતો. બંને આરોપીઓએ અનમોલ પર જીવલેણ હુમલો કર્યો હતો. એક આરોપીએ યુવકને પગતળે દબાવી રાખ્યો હતો અને બીજા આરોપીએ શરીર પર પથ્થર વડે હુમલો કર્યો હતો. સતત 10 થી પણ વધુ વખત પથ્થરથી માર માર્યો હતો. હુમલામાં અનમોલના હાથ-પગ સહિત શરીરે અનેક ઈજાઓ થઈ હતી.
ઈજાગ્રસ્ત અનમોલને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં પોલીસે ફરિયાદના આધારે BNS ની કલમ 115(2), 117(2), 118(2), 352, 351(3), 54 હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. મારામારીના બનાવ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આજ રોજ ગુનામાં સંડોવાયેલા બન્ને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.