Valsad News: વલસાડના અંતરિયાળ વિસ્તારમાંથી હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં કાંજણ રણછોડ ગામે સ્મશાન ભૂમિ સુધી પહોંચવાના રસ્તાના અભાવે ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી રહી છે. ગામમાં રસ્તાઓ બિસ્માર અને કાદવ કીચડવાળા હોવાથી અંતિમ યાત્રા દરમિયાન ભારે હાલાકી સર્જાઈ હતી. ગ્રામજનોને આ કાદવ કીચડવાળા રસ્તા પરથી મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા મજબૂર બનવું પડ્યું હતું. આ દ્રશ્યો અંતરિયાળ વિસ્તારોની દુર્દશા અને વિકાસના અભાવને સ્પષ્ટપણે દર્શાવે છે, જ્યાંના લોકો માત્ર હાલાકી જ ભોગવી રહ્યા છે.
આ ગામના લોકો વર્ષોથી આ રસ્તાના અભાવે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને વર્ષોથી આ રસ્તાની માંગ કરી રહ્યા છે. તાલુકા પંચાયત દ્વારા આ રસ્તા માટેની દરખાસ્તો પણ કરવામાં આવી છે અને તાલુકા પંચાયતને આપવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી આ રસ્તો બની શક્યો નથી. આ સ્થિતિને કારણે લોકોમાં આક્રોશની લાગણી ભભૂકી ઉઠી છે. સામાન્ય જનતા પણ સારા રસ્તાઓની માંગ કરતી હોય છે, ત્યારે આ રસ્તો ન બનવો અને વારંવારની રજૂઆતો છતાં કામ ન થવું એ અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખની નિયત સામે સવાલો ઉભા કરે છે. આ ગામ વર્ષોથી આ પ્રકારે હેરાન પરેશાન થઈ રહ્યું છે.
સ્થાનિકો હાલમાં પણ આવી હાલાકી વેઠીને સ્મશાન યાત્રા લઈ જવા મજબૂર છે. રસ્તાઓના અભાવના કારણે સ્થાનિકો રોષે ભરાયા છે અને વહેલી તકે ગામનો રસ્તો બને તેવી લાગણી લોકોમાં પ્રબળ બની છે. મૃત્યુ બાદ માણસને શાંતિથી પોતાના સ્મશાન ગૃહ સુધી પહોંચે એ સમાજની જવાબદારી રહેતી હોય છે. પરંતુ અહીં રસ્તાની ખરાબ સ્થિતિને કારણે મૃતકોને પણ શાંતિથી અંતિમ મુકામ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે.