Vadodara: તમે કંઇક મેળવવાની ઇચ્છા કરો અને એ માટે હિંમત હાર્યા વગર અથાગ મહેનત કરવામાં આવે તો સફળતા મળે છે. આવુંજ કંઇક વડોદરાની ડિંકલ ગોરખા સાથે થયું છે. થોડા દિવસ પહેલા લોકોએ તેને પગની ખોડખાપણ હોવાથી કિક બોક્સિંગમાં ભાગ ન લેવાની સલાહ આપી હતી. હવે તે કિક બોક્સિંગની ટૂર્નામેન્ટમાં ભાગ લઇને ગુજરાત ચેમ્પિયનશીપ જીતી છે અને ટીકાકારોને ચૂપ કરી દીધા છે.
વડોદરા શહેરમાં રહેતી 17 વર્ષીય ડિંકલ ગોરખા ડિન્કુ બોક્સરના નામે જાણીતી છે. 2009માં ડિન્કલ તેની માતા સાથે એક યાત્રામાં ગઇ હતી. એ સમયે તેનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં તેના ડાબા પગે ઘૂંટણનો ઉપરનો ભાગ કચડાઈ ગયો હતો. જ્યારે તેની માતાના બન્ને પગ કાપવા પડ્યા હતા. પગની ખોડ હોવા છતાં ડિંકલે પાંચ વર્ષ પહેલા કિક બોક્સિંગની શરૂઆત કરી હતી.

ડિંકલે કિક બોક્સિંગની શરૂઆત કરી ત્યારે અનેક લોકો તેને પગની ખોડના કારણે આ ખેલ છોડવાની સલાહ આપી હતી. પરંતુ તે હિંમત હારી નહીં. પોતાના પર દૃઢ આત્મ વિશ્વાસથી 4 મહિના પહેલા રાજ્ય ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. અથાગ મહેનત કરી ડિંકલે પ્રેસિડન્ટ કપ લાઇટ કન્ટેક્ટ બોક્સિંગની ફાઈનલમાં પોતાના પ્રતિસ્પર્ધીને હરાવી દીધા હતા. આ સ્પર્ધામાં 100થી વધુ ખિલાડીઓએ ભાગ લીધો હતો.
ડિંકલે જણાવ્યું છેકે, આ જીત તેના માટે ઘણીજ મહત્વની છે. તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે રાજ્ય ચેમ્પિયન બનશે. હવે તે રાષ્ટ્રીય સ્તર અને પછી આતંરાષ્ટ્રીય સ્તરે ભાગ લેવા માટે તૈયારી કરશે. ડિંકલના કોચ સિદ્ધાર્થ ભાલેગરે જણાવ્યું છેકે, તે ખૂબ મહેનતું છે. તેને પહેલાથીજ કંઇક કરવાની ચાહત હતી. જેના કારણે તેણે કઠોર પરિશ્રમ કર્યો છે. તે તેના પ્રતિસ્પર્ધીઓથી સારુ પ્રદર્શન કરી શકતી હોવાથી તે ખૂબજ આગળ વધશે. ડિંકલ રાજ્ય ચેમ્પિયન બનતા તેના પરિવારમાં ખુશીનો માહોલ છે અને તેની માતાને દીકરી પર ગર્વ છે.