Vadodara News: વડોદરાના બાજવા ગામમાં વરસાદ બાદ પણ પાણી ભરાયા, મંદિરો અને પ્રાથમિક શાળાઓમાં પણ પાણી, સ્થાનિકો મુશ્કેલીમાં

બાજવા ગામમાં માત્ર રહેણાંક મકાનો જ નહીં, પણ મંદિરો અને પ્રાથમિક શાળાઓમાં પણ પાણી ઘૂસી ગયું છે. જેના કારણે ઘરના સામાનને નુકસાન થયું છે, વાહનો ખોટકાયા છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 31 Aug 2025 01:35 PM (IST)Updated: Sun 31 Aug 2025 01:35 PM (IST)
vadodaras-bajwa-village-remains-waterlogged-for-second-day-locals-in-distress-594755

Vadodara News: વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બાજવા ગામમાં વરસાદ બંધ થયા બાદ પણ સતત બીજા દિવસે પાણી ઓસર્યા નથી, જેના કારણે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. શંકર સોસાયટી, આંબેડકર નગર અને આસપાસના વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો આખી રાત ઉજાગરા કરવા મજબૂર બન્યા હતા.

સ્થાનિકોનું કહેવું છે કે પાણી ભરાવાનું મુખ્ય કારણ આસપાસની ફર્ટિલાઈઝર અને અન્ય કંપનીઓ દ્વારા છોડવામાં આવતું પાણી છે. એક રહીશે આક્ષેપ કર્યો કે વરસાદ બંધ થયા બાદ પાણી ઓસર્યું, પરંતુ થોડા સમય બાદ ફરી ચઢવા માંડ્યું. એટલે આ પાણી કંપનીઓ દ્વારા જ છોડવામાં આવ્યું હશે. તેમણે ઉમેર્યું કે છેલ્લા 50 વર્ષથી દર વર્ષે આવી પરિસ્થિતિ સર્જાય છે, છતાં કાયમી ઉકેલ મળ્યો નથી.

બાજવા ગામમાં માત્ર રહેણાંક મકાનો જ નહીં, પણ મંદિરો અને પ્રાથમિક શાળાઓમાં પણ પાણી ઘૂસી ગયું છે. જેના કારણે ઘરના સામાનને નુકસાન થયું છે, વાહનો ખોટકાયા છે અને લોકોને નોકરી પર જવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

એક મહિલાએ જણાવ્યું કે, કોઈ જોવા આવતું નથી, તંત્ર બેદરકાર છે. ઢોરોને ખવડાવવા ઘાસ પણ નસીબમાં નથી કારણ કે ઘાસના પુડા પણ પલળી ગયા છે. અન્ય રહેવાસીઓએ પણ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે વરસાદ ઓછો પડ્યો છતાં પણ પાણી એટલું ભરાય છે, કારણ કે કંપનીઓના કારણે નિકાલ થતો નથી.

દર વર્ષે ચોમાસામાં આવી સમસ્યા ઊભી થાય છે છતાં કોઈ યોગ્ય પગલા લેવાતા નથી. લોકોને નુકસાન વેઠવું પડે છે અને રોજિંદી જીવન ખોરવાઈ જાય છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક પગલા ભરવાની તેમજ કાયમી ઉકેલ લાવવાની માંગણી કરી છે.

નોંધનીય છે કે ગતરોજ ભારે વરસાદ ખાબક્યા પછી આજે પણ બાજવા ગામના શંકર સોસાયટી, આંબેડકર નગર અને ન્યુ આંબેડકર નગરમાં પાણી ભરાયેલા છે, જેના કારણે જનજીવન ખોરવાયું છે અને લોકો તંત્રના સહકાર વિના મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.