Vadodara News: વડોદરામાં વિશ્વપ્રસિદ્ધ નવરાત્રી મહોત્સવની ધામધૂમપૂર્વક તૈયારી શરૂ થઈ ગઈ છે. આજે નવલખી મેદાન ખાતે નવરાત્રી ફેસ્ટિવલના આયોજકો દ્વારા ભૂમિપૂજન કરાયું. આ વખતે ગરબાની ભવ્યતા અને વૈભવ વધુ જોવા મળશે, કારણ કે એકસાથે 75 હજાર ખેલૈયાઓ ગરબા રમે તેવી વિશાળ વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત, 15 હજારથી વધુ લોકો એક સાથે ગરબા નિહાળી શકે તેવી સુવિધા પણ ઉભી કરવામાં આવશે.
ગરબા આયોજક મયંક પટેલે જણાવ્યું કે, આ વર્ષે સુરક્ષા અને પરંપરાનો ખાસ ખ્યાલ રાખવામાં આવશે. ખેલૈયાઓને તિલક કર્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવશે. ઉપરાંત, વિધર્મી લોકો માટે ગરબા રમવા માટે પાસ જારી નહીં કરવામાં આવે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી. મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા મેદાનમાં મહિલા સિક્યોરિટી ગાર્ડ્સની ખાસ તૈનાત કરવામાં આવશે.
આયોજકોના જણાવ્યા મુજબ, ગરબા મેદાનમાં તમામ સુવિધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં પાર્કિંગ, પીવાના પાણી, તબીબી સહાય તેમજ આગ નિયંત્રણની વ્યવસ્થા પણ સામેલ છે. વડોદરાની નવરાત્રી વિશ્વપ્રસિદ્ધ છે અને દર વર્ષે લાખો લોકો આ ઉત્સવનો આનંદ માણવા આવે છે. આ વર્ષે પણ ખેલૈયાઓને અનોખો અનુભવ મળે તે માટે આયોજકો સંપૂર્ણ તૈયારીઓમાં લાગી ગયા છે. નવરાત્રી ફેસ્ટિવલની ધૂન હવે વડોદરામાં ગુંજી ઉઠશે અને નવલખી મેદાન ફરી એકવાર ખેલૈયાઓના રંગ અને ઉત્સાહથી ઝગમગી ઉઠશે.