Vadodara News: વડોદરામાંથી ગુમ થયેલા બે ભાઇબહેનને શહેર પોલીસની ટીમે 40 કલાકની અવિરત શોધખોળ બાદ મધ્યપ્રદેશ-ઉત્તરપ્રદેશની સરહદે આવેલા ચંબલ વિસ્તારમાંથી સલામત શોધી કાઢ્યા હતા. આ ઘટનાએ શહેર પોલીસની ચુસ્ત કામગીરીને પ્રકાશમાં મૂકી છે.
સિટી પોલીસ સ્ટેશનમાં એક વૃદ્ધ દાદા આવ્યા હતા અને તેમણે પોતાના પૌત્ર અને પૌત્રી અચાનક ગુમ થઇ જવાના બનાવની જાણ કરી હતી. દાદાના જણાવ્યા મુજબ, 16 વર્ષની પૌત્રી અને કિશોરાવસ્થાનો પૌત્ર સવારે કોઇને કહ્યા વગર ઘરેથી નિકળી ગયા હતા. શરૂઆતમાં અપહરણની શંકા ઉભી થઇ હતી, પરંતુ પોલીસ અધિકારીઓએ પ્રાથમિક તપાસ બાદ આ મામલો કુટુંબકલેશ સાથે સંકળાયેલ હોવાનું અનુમાન લગાવ્યું હતું.
તપાસમાં સામે આવ્યું કે બાળકોના માતા-પિતા લાંબા સમયથી અલગ રહેતા હતા. પિતા વ્યસનગ્રસ્ત અને બેરોજગાર હતા તથા પત્નીને ત્રાસ આપતા હતા. પરિણામે માતા પાણીપૂરી વેચતા એક પુરુષ સાથે રહેવા લાગી હતી. બીજી તરફ પિતા ઉત્તરપ્રદેશમાં બીજી સ્ત્રી સાથે વસવાટ કરતા હતા. માતા-પિતાએ છોડી દેતા બંને બાળકો દાદા સાથે વડોદરામાં રહેતા હતા.
આ પણ વાંચો
પોલીસે ઘરના આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા તો બંને બાળકો સ્વઇચ્છાએ ઘર છોડીને જતા દેખાયા હતા. તે બાદ બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન તેમજ અન્ય સ્થળોએ ચકાસણી કરવામાં આવી, પરંતુ તેઓ ક્યાંય જોવા મળ્યા ન હતા. સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી માહિતી મળી કે બાળકોની માતા પોતાના સાથી સાથે ચંબલ નજીક ગામમાં રહેતી હતી.
પીએસઆઇ ડી.કે. સોજીત્રાની આગેવાનીમાં પોલીસ ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. જોકે ઘર ખાલી મળતા તપાસ વધુ ઊંડાણપૂર્વક હાથ ધરવામાં આવી. ગ્રામજનોને સંપર્ક કર્યા બાદ અંતે માતા પોતાના બંને બાળકો સાથે પોલીસ સમક્ષ આવી હતી.
પુછપરછ દરમ્યાન બાળકોએ ખુલાસો કર્યો કે દાદા અને ફોઇ તેમને માનસિક ત્રાસ આપતા હોવાથી તેઓ ઘરેથી કશું લીધા વિના નીકળી ગયા હતા. વડોદરા થી ગોધરા, પછી ટ્રેન મારફતે ઉત્તરપ્રદેશ પહોંચી તેઓ માતાની પાસે ગયા હતા.
માતાએ પોલીસને જણાવ્યું કે પતિના વ્યસન અને બેરોજગારીથી કંટાળીને તેમણે આ પુરુષ સાથે રહેવાનું નક્કી કર્યું હતું. શરૂઆતમાં પોતે એકલી આવી હતી, ત્યારબાદ બાળકોને સાથે લાવવાનો નિર્ણય કર્યો હતો.
પોલીસની ઝડપી કામગીરીના કારણે બંને ભાઇબહેન સલામત મળી આવ્યા. તેમની ઇચ્છા મુજબ તેઓ હાલ માતા સાથે રહે છે. કુટુંબ કલેશની વચ્ચે બાળકોને સુરક્ષિત પરત લાવતી વડોદરા પોલીસે એક સંવેદનશીલ મામલાને સફળતાપૂર્વક ઉકેલી દીધો છે.