IT Raid in Gujarat: આજે ગુજરાતના 15 શહેરોમાં આવકવેરા વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ખોટા TDS ક્લેમ અને કર માફીનો ગેરલાભ લેનારાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરોડા ભરૂચ, અંકલેશ્વર, મહિસાગર, અમદાવાદ, સુરત, વાપી, પાટણ, રાજકોટ, ગોંડલ, ધોરાજી સહિત કુલ 15 સ્થળોએ પાડવામાં આવ્યા છે, જેના પગલે વેપારી આલમમાં ભારે ગભરાટ અને ચકચાર વ્યાપી છે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની સંડોવણી અને ખોટા ITR
આ દરોડામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, ઘણા લોકો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ટેક્સ પ્રેક્ટીશનર્સની મદદથી ખોટી રીતે TDS ક્લેમ કરતા હતા અને ખોટી માહિતીના આધારે ITR ફાઇલ કરીને કરોડો રૂપિયાની કર માફીનો ગેરલાભ ઉઠાવતા હતા.
ખોટા રિટર્ન દાખલ કરનારાઓને ચેતવણી
આવકવેરા વિભાગે આવા તમામ લોકોની ઓળખ કરી લીધી છે જેમણે ખોટી રીતે રિટર્ન દાખલ કર્યા છે. તેમને તાત્કાલિક રિવાઇઝ્ડ ITR ફાઇલ કરવાની તાકીદ કરવામાં આવી છે. જો આમ નહીં કરવામાં આવે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
આ પણ વાંચો
અન્ય રાજ્યોમાં પણ ઝુંબેશ
મહત્વનું છે કે, આવકવેરા વિભાગ હવે માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાં પણ આવા ખોટા ક્લેમ સામે ઝુંબેશ શરૂ કરવા જઈ રહ્યું છે. કાયદો હવે ટેકનોલોજી સાથે ચાલી રહ્યો હોવાથી આવક છુપાવનારાઓ માટે બચવું મુશ્કેલ બનશે. આ કાર્યવાહી દર્શાવે છે કે સરકાર કરચોરીને ડામવા માટે સક્રિય બની છે.