Ganesh Utsav 2025: વડોદરાના ઝાઝરમાન ગણપતિઃ 45 લાખના ખર્ચે લોટસ વર્સેલ્સ પેલેસ થીમ પર ગણેશ પંડાલ, રાજમહેલમાં વિહરતા હોય તેવો અનુભવ

આ વર્ષે ગણપતિ પ્રતિમા 100 ટકા ઇકો-ફ્રેન્ડલી રીતે વેસ્ટ પેપરમાંથી બનાવવામાં આવી છે, જે પર્યાવરણપ્રેમી પ્રયાસનું પ્રતિનિધિત્વ કરે છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 28 Aug 2025 12:11 PM (IST)Updated: Thu 28 Aug 2025 03:04 PM (IST)
ganesh-chaturthi-2025-rajstambha-familys-grand-ganesh-utsav-in-vadodara-593057

Ganesh Utsav 2025 Vadodara: રાજ્યભરમાં ગણેશોત્સવની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે ત્યારે વડોદરામાં રાજસ્થંભ પરિવાર દ્વારા લોટસ વર્સેલ્સ પેલેસ થીમ પર ગણેશ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે, જે ભવ્યતા અને સૌંદર્યથી મંત્રમુગ્ધ કરી દે છે. અંદાજે 45 લાખના ખર્ચે બનાવાયેલા આ પંડાલમાં યુરોપિયન અને ભારતીય આર્કિટેક્ચરનો અનોખો સંગમ જોવા મળે છે.

રાજમહેલમાં પ્રવેશ્યાનો અનુભવ

પોલોગ્રાઉન્ડ નજીક આવેલા આ પંડાલમાં પ્રવેશ કરતા જ લોકોને રાજમહેલમાં પ્રવેશ્યાનો અનુભવ થાય છે. ઝુમ્મર, આકર્ષક લાઇટિંગ, મ્યુઝિક સિસ્ટમ અને AC જેવી સુવિધાઓ સાથે સાથે ભક્તોની સુરક્ષા માટે ફાયર સેફ્ટી અને CCTV ગોઠવવામાં આવ્યા છે. દરરોજ હજારો લોકો અહીં દર્શન માટે આવે છે. આ પંડાલને તૈયાર કરવામાં લગભગ ત્રણ મહિના લાગ્યા હતા.

આશીર્વાદ આપતા હાથ પર સવા કિલો ચાંદી અર્પણ કરાયા

રાજસ્થંભ પરિવાર છેલ્લા 35 વર્ષથી શ્રી યાન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ગણેશોત્સવ ઉજવે છે. પરિવારના સભ્ય જયેશ મકવાણાએ જણાવ્યું કે આ વર્ષે ગણપતિ પ્રતિમા 100 ટકા ઇકો-ફ્રેન્ડલી રીતે વેસ્ટ પેપરમાંથી બનાવવામાં આવી છે, જે પર્યાવરણપ્રેમી પ્રયાસનું પ્રતિનિધિત્વ કરે છે. સાથે જ ગણપતિના આશીર્વાદ આપતા હાથ પર સવા કિલો ચાંદી અર્પણ કરવામાં આવી છે.

લોટસ વર્સેલ્સ પેલેસની થીમ પર મંડપ બનાવ્યો

આ કલાત્મક પંડાલ વડોદરાવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.આ વર્ષે લોટસ વર્સેલ્સ પેલેસની થીમ પર મંડપ બનાવ્યો છે, જે યુરોપિયન અને ભારતીય સ્થાપત્યનું અનોખું ઉદાહરણ છે. ઝુમ્મર અને લાઇટિંગથી શણગારેલો આ મંડપ દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે. વિશેષતા એ છે કે અહીં બનાવાયેલ પેઇન્ટિંગને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળવાની સંભાવના છે.

જયેશ મકવાણાએ જણાવ્યું કે દર વર્ષે નવી થીમ સાથે ઉત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ વખતનો ઉત્સવ પર્યાવરણ, કળા અને ભક્તિનો સંયોજન રજૂ કરે છે. તેમણે સૌને ઉત્સવની મુલાકાત લઈ બાપ્પાના આશીર્વાદ મેળવવા આમંત્રણ આપ્યું છે.