Maa Movie 2025: આજે કાજોલની ફિલ્મ 'મા' (Maa) સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. વિશાલ ફુરિયા નિર્દેશિત આ ફિલ્મને અત્યાર સુધી દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ટ્રેલર રિલીઝ થયા પછી ફેન્સ આ ફિલ્મને મોટા પડદા પર જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આ ફિલ્મથી તાપી જિલ્લાના વ્યારા શહેરની 15 વર્ષીય જેનિશા નાયકે બોલિવૂડમાં પોતાનું ડેબ્યુ કર્યું છે.
જેનિશા નાયક એક સામાન્ય પ્લમ્બર સુધાકર નાયકની દીકરી છે અને પ્રથમ ફિલ્મ 'મા' આજે 27 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં તેને કાજોલ અને અજય દેવગન જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કરવાની તક મળી છે. બાળપણથી જ અભિનયનો શોખ ધરાવતી જેનિશાને તેની માતા સોનીકા નાયકે અભિનયના ક્ષેત્રમાં તેના પ્રવેશ માટે સપોર્ટ કર્યો છે.
જેનીશાએ પોતાના અભિનયની કારકીર્દીની શરૂઆત 'સુહાગણ', 'દહેજ દાસી' અને 'ડસ્ટબિન' જેવી ટેલિવિઝન સીરિઝ અને વેબ સિરીઝથી કરી હતી. તેણે અભિનેતા રોનિત રોય સાથે પણ સ્ક્રીન શેર કરી છે. તે 'બેટી પઢાવો, બેટી બચાવો'ની થીમ પર આધારિત ફિલ્મ 'ધ લિટલ ફાયર ફ્લાય' માં પણ જોવા મળી છે.
આ પણ વાંચો
દેવગન ફિલ્મ્સ અને જિયો સ્ટુડિયો દ્વારા નિર્મિત ફિલ્મ 'મા' માં કાજોલ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં તેની સાથે ઇન્દ્રનીલ સેનગુપ્તા, રોનિત રોય, જિતિન ગુલાટી, દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય, ખેરીન શર્મા, ગોપાલ સિંહ, સૂર્યશિખા દાસ, યાનિયા ભારદ્વાજ અને રૂપકથા ચક્રવર્તી સહિત અનેક પ્રતિભાશાળી કલાકારો મહત્વની ભૂમિકામાં છે.

આ ફિલ્મના ટ્રેલરમાં, કાજોલ તેની પુત્રીનો જીવ બચાવવા માટે અદ્રશ્ય શક્તિઓ સામે લડતી જોવા મળે છે. તેણીને મા કાલીના આશીર્વાદ છે, જેનાથી તેમની લડત વધુ શક્તિશાળી બને છે.