Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખાખરાળા ગામે ગેરકાયદેસર ખનીજ ખનનની પ્રવૃત્તિઓ ફરી એકવાર જીવલેણ બની છે. ગામની સીમમાં આવેલા એક ગેરકાયદેસર કર્બોસેલના કૂવામાં રેતી ભરી રહેલું લોડર અચાનક ખાબકતાં 25 વર્ષીય યુવાન ચાલક અજય કાનાભાઈ બોહકિયાનું કરુણ મોત થયું છે.
આ ઘટના અંગે વધુ વિગતો આપતા એક અધિકારીએ જણાવ્યું કે- અજય લોડર ચલાવી રહ્યો હતો અને સેન્ડસ્ટોન ભરી રહ્યો હતો. તે સમયે અચાનક તેણે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને લોડર ઊંડા કૂવામાં પડ્યું. આ ગંભીર અકસ્માતમાં અજયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ કરુણ ઘટનાની જાણ થતાં જ ચોટીલાના નાયબ કલેક્ટર સહિત વહીવટી તંત્રનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી. ક્રેનની મદદથી લોડર અને મૃતદેહને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી. આ બનાવને પગલે ગેરકાયદેસર ખનન અને ગેરકાયદેસર ખનીજ ખનનની પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવા માટે ફરી એકવાર માંગ ઊઠી છે.