Surat Tourist Attraction: સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચરપાર્ક 81 એકરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે, અને ઉત્તર-દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે એક લોકપ્રિય આકર્ષણનું કેન્દ્ર છે. પ્રાણીઓ અને પક્ષીઓના સંરક્ષણ, નિદર્શન સાથે સહજ શાંતિ પ્રદાન કરતા સરથાણા નેચર પાર્કમાં દર વર્ષે 10 લાખથી વધુ મુલાકાતીઓ આવે છે, હાલમાં આ ઝૂમાં 54 વિવિધ પ્રજાતિના પ્રાણીઓ રાખવામાં આવ્યા છે, જેમાં 24 પ્રજાતિના 128 મેમલ પ્રાણીઓ, 27 પ્રજાતિના 294 પક્ષીઓ અને 5 પ્રજાતિના 61 રેપટાઈલ સામેલ છે.
નેચર પાર્કના ઈન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ ડો.રાજેશ પટેલે જણાવ્યું કે, સરથાણા નેચર પાર્ક (પ્રાણી સંગ્રહાલય)માં દર વર્ષે સુરત શહેર-જિલ્લા અને રાજ્યભરમાંથી 10 લાખથી વધુ પ્રવાસીઓ આવે છે. ઝૂની વિશેષતા તરીકે જળબિલાડીઓનું સંરક્ષણ અને સંચાલન મહત્વપૂર્ણ છે. સમગ્ર ભારતમાં ઝૂમાં જળબિલાડીઓ માટે ખાસ બિલ્ડિંગ બનાવવામાં આવતું નથી, પણ અહીં 27 જેટલી જળબિલાડીઓ કેપ્ટિવિટી હેઠળ રાખવામાં આવી છે. સાયન્ટિફિક મેનેજમેન્ટના કારણે દર વર્ષે 5 થી 7 બચ્ચાંઓ જન્મે છે. અત્યાર સુધીમાં સરથાણા ઝૂમાંથી કુલ 17 જળબિલાડીઓ અન્ય ઝૂ (પ્રાણી સંગ્રહાલય)માં આપવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રાણી સંગ્રહાલયની વાર્ષિક આવક પર નજર કરીએ તો વર્ષ 2022માં 9.41 લાખ પ્રવાસીઓએ ઝૂની મુલાકાત લીધી હતી, જેની રૂ. 2.56 કરોડની આવક થઈ હતી. વર્ષ 2023માં 8.78 લાખ પ્રવાસીઓ અને રૂ. 2.76 કરોડની આવક, 2024માં અત્યાર સુધીમાં 6.22 લાખ પ્રવાસીઓ અને રૂ. 1.74 કરોડની આવક થઈ છે. ખાસ કરીને દિવાળી અને ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓનો ખૂબ ધસારો રહે છે.
તેમણે ઉમેર્યું કે, પક્ષીઓ અને પ્રાણીઓ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA)ની માર્ગદર્શિકા અનુસાર કેપ્ટિવિટી હેઠળ રાખવામાં આવે છે. CZA દ્વારા દર બે વર્ષે ઝૂનું મોનિટરિંગ કરવામાં આવે છે, અને તેમના સલાહ-સૂચનો, માર્ગદર્શિકાનું યોગ્ય પાલન થાય છે. હાલમાં પ્રવાસીઓના આકર્ષણ માટે સફેદ વાઘ, સિંહ, રીંછ અને હિપોપોટેમસ સહિત વિવિધ પ્રજાતિઓના પ્રાણીઓ છે. વર્ષ દરમિયાન સુરતથી વાપી સુધીની શાળાઓના આશરે 2 લાખ વિદ્યાર્થીઓ ઝૂની મુલાકાત લે છે. મુલાકાતીઓની સુરક્ષા અને ઝૂના સંચાલન માટે કુલ 40 કર્મચારીઓનો સ્ટાફ કાર્યરત છે.

પ્રાણીસંગ્રહાલયનો મુખ્ય ઉદ્દેશ પ્રકૃત્તિ પ્રત્યે રસ ઊભો કરવાનોઃ ગાઈડ હીના પટેલ
પ્રાણીસંગ્રહાલયના ગાઈડ હીના પટેલ જણાવે છે કે, પ્રાણીસંગ્રહાલયનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં વનશિક્ષણ અને પ્રકૃત્તિ પ્રત્યે રસ જગાવવાનો છે. આ માટે વર્ષ દરમિયાન વિવિધ શૈક્ષણિક અને જાગૃતિલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. શાળાના જૂથમાં આવતા બાળકોને ઝૂ અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના ઝૂ સંચાલનમાં ફાળા અંગે માહિતી આપીએ છીએ. ઉપરાંત, વન્યજીવ સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે. પ્રવાસીઓની સુવિધા માટે બેટરીથી ચલાવાતી બસ અને દિવ્યાંગ, અશક્ત મુલાકાતીઓ માટે વ્હીલચેર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
પાર્ક બાળકોને નાનપણથી પ્રાણીઓ-પ્રકૃતિનું જ્ઞાન આપતું માધ્યમઃ શિક્ષક કિરણસિંહ સોલંકી
કોસંબાની લિટલ મિલેન શાળાના શિક્ષકશ્રી કિરણસિંહ સોલંકીએ જણાવ્યું કે, આજે બાળકોને ગમ્મત સાથે પ્રાણી અને પ્રકૃતિ વિશે શિક્ષણ આપવાના ઉદ્દેશથી સરથાણા નેચર પાર્કની મુલાકાત માટે લાવ્યા છીએ. અહીં પ્રવાસીઓ માટે ઉત્તમ સુવિધાઓ છે. પ્રાણી સંગ્રહાલય બાળકોને પ્રાણીઓ અને પ્રકૃતિ વિશે નાનપણથી જ જ્ઞાન આપવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે. બાળકો અહીં આનંદ અને ઉત્સાહ સાથે ગમ્મતભર્યું પ્રકૃત્તિ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યાં છે.

સુરતનું આ એકમાત્ર સ્થળ છે જ્યાં વિવિધ પ્રજાતિઓના પ્રાણી અને પક્ષીઓ જોવા મળે: અંજલિ મજેઠીયા
મોટા વરાછાના અંજલિ મજેઠીયાએ પાર્કની મુલાકાત સંદર્ભે જણાવ્યુ કે, અમે પરિવાર સાથે અવારનવાર સરથાણા નેચર પાર્કની મુલાકાત લઈએ છીએ, કારણ કે અહીંનું વાતાવરણ એકદમ રમણીય છે અને મનને શાંતિ આપે છે. વધુમાં, સુરત શહેરમાં આ એકમાત્ર સ્થળ છે જ્યાં વિવિધ પ્રજાતિઓના પ્રાણી-પક્ષીઓ જોવા મળી રહ્યા છે. માત્ર રૂ. 30ની ટિકિટમાં પ્રાણી-પક્ષીઓ, વનરાજિ, હરિયાળી તેમજ જંગલ જેવા માહોલનો આહ્લાદક અનુભવ કર્યો છે એમ જણાવી તમામ મુલાકાતીઓએ કૃપા કરીને ઝૂમાં સ્વચ્છતા રાખવી જોઈએ એવી ભારપૂર્વક વિનંતી કરી હતી.