Maha Shivratri 2023: મહા શિવરાત્રીએ કતારગામના કંતારેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર, હર-હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું

By: AkshatKumar PandyaEdited By: AkshatKumar Pandya Publish Date: Sat 18 Feb 2023 11:57 AM (IST)Updated: Sat 18 Feb 2023 02:17 PM (IST)
maha-shivratri-kantareshwar-mahadev-temple-in-katargam-the-temple-premises-reverberated-with-the-sound-of-har-har-mahadev-93744

Surat kantareswar Mahadev: આજે મહા શિવરાત્રિ છે, ત્યારે સુરત શહેર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે. સુરતના અતિ પ્રાચીન એવા કતારગામ કંતારેશ્વર મહાદેવ મંદિરમાં શિવરાત્રી નિમિતે મહાપૂજા, પાલખી યાત્રા, મહા આરતી, જાહેર ભંડારો સહિતનું આયોજન કરાયું છે આ ઉપરાંત વહેલી સવારથી જ ભક્તો દેવાધિ દેવ મહાદેવના દર્શને ઉમટી પડ્યા હતા.

શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
આજે મહાશિવરાત્રીનો મહા પર્વ છે. દેશ અને દુનિયામાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ મંદિરોમાં અનોખા આયોજન કરાયા છે, ત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે. શહેરના તમામ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. મંદિર પરિસર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે, ત્યારે સુરતના કતારગામ સ્થિત આવેલા કંતારેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી પર્વને લઈને અનેક આયોજન કરવામાં આવ્યા છે.

વિશાળ પાલખી યાત્રા નીકળી
મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહા શિવરાત્રી નિમિત્તે 17 તારીખના રાતે 12 વાગ્યાથી મહાપૂજા શરુ કરવામાં આવી છે અને 18 તારીખના અઢી વાગ્યા સુધી પૂજા શરુ રહેશે. ભક્તો દર્શન કરી શકે તે માટેની મંદિરમાં સંપૂર્ણ વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત સવારે 8 વાગે મંદિરના શિખર પર ધજા અર્પણ કરાઈ છે તેમજ મંદિર ખાતેથી વિશાળ પાલખી યાત્રા નીકળી હતી અને સમગ્ર કતારગામ વિસ્તારમાં ફરી હતી.

મંદિરને 10,111 દીવડાથી શણગારવામાં આવશે
આ ઉપરાંત બપોરે જાહેર ભંડારો રાખવામાં આવ્યો છે. 9 કલાકે સમગ્ર મંદિરને 10,111 દીવડાથી શણગારવામાં આવશે. દર્શન કરવા આવતા ભક્તોને હાથમાં દીવડા પણ આપવામાં આવશે. અને મહાપૂજા, મહા આરતી સહિતનું આયોજન કરાયું છે. મંદિરમાં વહેલી સવારે 3 વાગ્યાથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે અને લોકો દેવાધિ દેવ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કતારગામ સ્થિત કંતારેશ્વર મહાદેવ મંદિર અતિ પ્રાચીન મંદિર છે. માત્ર શિવરાત્રિ જ નહીં પરંતુ દરરોજ અહીં ભક્તોની લાંબી કતારો દાદાના દર્શનાથે આવતા હોય છે. આજે મહા શિવરાત્રિ પર્વ પર ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો પોતાની આસ્થા અને ભક્તિ પ્રમાણે પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે. તેમજ મંદિર પરિસર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે.