Rajkot: જેતપુર નજીક આવેલા એક ગોડાઉનમાંથી નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીની 1212 ગુણીઓની ચોરી થઈ છે, જેની કિંમત ₹31.65 લાખ આંકવામાં આવી છે. આ મામલામાં પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે.
ચોરીની વિગતો
આ ઘટના જેતલસર ગામ નજીક આવેલા ગિરીરાજ વેરહાઉસમાં બની હતી, જેને સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશને ભાડે રાખ્યું હતું. આ ગોડાઉનમાં નાફેડ દ્વારા ખરીદેલી 57,600 ગુણી મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો. 5 ડિસેમ્બર, 2024 થી 16 ડિસેમ્બર, 2024 દરમિયાન 1212 ગુણી મગફળી ગાયબ થઈ ગઈ હતી.

ચોરી ક્યારે સામે આવી?
આ ગોડાઉનની દેખરેખનો કોન્ટ્રાક્ટ અમદાવાદની શ્રીરામ એન્ટરપ્રાઈઝ નામની એજન્સી પાસે હતો. નાફેડ દ્વારા ખરીદેલી મગફળીનું દર છ મહિને ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવે છે. ડિસેમ્બર 2024માં વેરિફિકેશન થયા બાદ, જૂન 2025માં ફરીથી તપાસ હાથ ધરવામાં આવી. આ દરમિયાન, જૂન 26, 2025ના રોજ વેરહાઉસ મેનેજર અમિતકુમાર ગીલ્લાની બદલી થતા, નવા મેનેજર સંદીપકુમાર શ્રીપૂર્ણરામ કડવાસરાને ચાર્જ સોંપતી વખતે બંને અધિકારીઓએ ફિઝિકલ વેરિફિકેશન કર્યું, ત્યારે આ 1212 ગુણીની ચોરીનો ખુલાસો થયો.

સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશનના ટેકનિકલ આસિસ્ટન્ટ અને મેનેજર અમિતકુમાર ગીલ્લાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેતપુર ડિવિઝનના રોહિત ડોડીયાના જણાવ્યા મુજબ, પોલીસે પ્રાથમિક તપાસમાં ચાર શખ્સો દ્વારા આ ચોરી કરવામાં આવી હોવાની વિગતો મેળવી છે અને તેમની ધરપકડ કરી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.