Rajkot Accident CCTV: રાજકોટમાં સિટી બસે સિગ્નલ પર વાહનોને અડફેટે લીધા, ચારના મોત, લોકોની બસમાં તોડફોડ કરી

અકસ્માત અંગે ડીસીપી પૂજા યાદવે જણાવ્યું છેકે, એક સિટી બસે સર્જેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. હજુ સુધી મૃતકોની સંપૂર્ણ વિગત મળી નથી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 16 Apr 2025 10:25 AM (IST)Updated: Wed 16 Apr 2025 03:06 PM (IST)
rajkot-bus-accident-near-indira-circle-510567

Rajkot Bus Accident: રાજકોટમાં સિટી બસે અકસ્માત કર્યો હોવાના અહેવાલ છે. ઇન્દિરા સર્કલ પાસે સિટી બસે ત્રણથી ચાર જેટલા વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતના આ બનાવમાં ચાર લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 4 લોકોને ઇજા પહોંચી છે. રોષે ભરાયેલા લોકો દ્વારા તોડફોડ પણ કરવામાં આવી છે.

મૃતકોના નામ

  1. રાજકોટ મહાનગરપાલિકાના ઓડીટ શાખાના કર્મચારી રાજુભાઈ મનુભાઈ ગીડા, ઉંમર વર્ષ-35
  2. સંગીતાબેન ધનરાજભાઈ ચૌધરી, ઉંમર વર્ષ-40
  3. બાલો ઉર્ફે ચિન્મયભાઈ હર્ષદભાઈ ભટ્ટ, ઉંમર વર્ષ-25
  4. કિરણબેન ચંદ્રેશભાઇ કક્કડ, ઉંમર વર્ષ-56

ચાર ઇજાગ્રસ્તોના નામ

  1. વિશાલ રાજેશભાઈ મકવાણા, ઉંમર વર્ષ-28
  2. સુરજ ધર્મેશ, ઉંમર વર્ષ-42
  3. સાનિયાબેન અજયભાઈ રાજબર, ઉંમર વર્ષ-17
  4. વિરાજબા મહાવીરસિંહ ખાચર, ઉંમર વર્ષ-07

બનાવના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવી અનુસાર સિગ્નલ ખુલતા વાહન ચાલકો પસાર થઇ રહ્યાં હતા ત્યારે સમયે પૂરપાટ ઝડપે સિટી બસ આવી હતી અને સિગ્નલ પર વાહન ચાલકોને અડફેટે લીધા હતા. જેમાં ટૂ-વ્હીલર અને કાર સહિતના વાહનો હતા. વાહન ચાલકોને અડફેટે લઇ બસ સિગ્નલ પરથી સીધી પસાર થઇ ગઇ હતી.

અકસ્માત અંગે ડીસીપી પૂજા યાદવે જણાવ્યું છેકે, એક સિટી બસે સર્જેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. હજુ સુધી મૃતકોની સંપૂર્ણ વિગત મળી નથી. મૃતદેહોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, આજે સવારે રાજકોટ સિટી બસના ચાલકે ઇન્દિરા સર્કલ પાસે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતના આ બનાવમાં ચાર લોકોના મોત નીપજ્યાં હતા. અકસ્માત સ્થળે લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. અકસ્માતના પગલે રોષે ભરાયેલા ટોળા દ્વારા બસમાં તોડફોડ કરવામાં આવી હતી. બસનો ચાલક દારુના નશામાં ધૂત હોવા અંગે પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. એકઠા થયેલા ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે.

અકસ્માતની ઘટના અંગે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ દિનેશ જોષીની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે જણાવ્યું છેકે, બસ ચાલકે 7 જેટલા લોકોને ટક્કર મારી હતી. સિટી બસ દ્વારા સિગ્નલ તોડવામાં આવે તેના કારણે આવું થાય છે. અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઇ ધ્યાન આપતું નથી.