Porbandar News: પોરબંદર લોકસભા સંસદીય મતક્ષેત્રની ચૂંટણી માટે ભાજપના ઘોષિત ઉમેદવાર ડૉ. મનસુખ માંડવિયાના છ વર્ષ જૂના વિડીયો વાયરલ કરવાના મામલે પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણી અધિકારીને કરાઈ ફરિયાદ છે. આવા વીડિયો વાઇરલ કરી ભાજપાની છબી ખરડવા તથા સામાજિક શાંતિ, સૌહાર્દ તથા ભાઈચારાને તોડીને વિરોધીઓને રાજકીય લાભ પહોંચાડવાનો દાવો કરાયો છે.
આ અંગે પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા જણાવાયું કે, પોરબંદર લોકસભા સંસદીય મતક્ષેત્રની ચૂંટણી માટે ભાજપના ઘોષિત ઉમેદવાર ડૉ. મનસુખ માંડવિયા એ ખૂબ જ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય નેતા છે. છેલ્લા 22 વર્ષથી જાહેર જીવનમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત રહ્યા છે. જેમાં છેલ્લા 8 વર્ષથી કેન્દ્રમાં મંત્રી છે. વાઈરલ થયેલા વીડિયોને લીધે માંડવિયાના સમર્થકો, શુભેચ્છકો, મિત્રો અને ચાહકવર્ગમાં ખૂબજ ગંભીર પ્રત્યાઘાતો પડ્યાને ધ્યાને લીધે પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરાઈ છે. મહત્ત્વનું છે કે, પોરબંદર જીલ્લા ભાજપની ફરિયાદના પગલે ઘણા ઇસમોએ વીડિયો ડિલીટ કરી દીધા છે.