Panchmahal News: મોરવા-શહેરા તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે નદી-નાળા અને જળાશયો માં પાણીની સારી આવક થઈ છે. શહેરાના પાનમ ડેમમાં ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાંથી પાણીની આવક વધી હોવાથી ડેમના બે ગેટ ખોલીને પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો. મોડી રાતથી શરૂ થયેલા વરસાદ બાદ રવિવાર દરમિયાન પણ સારો વરસાદ વરસ્યો હતો, જેના કારણે પાનમ ડેમમાં પાણીની આવક 3,800 ક્યુસેક થી વધીને 24,500 ક્યુસેક સુધી પહોંચી હતી.
પાનમ ડેમની ભયજનક સપાટી 127.41 મીટર છે જ્યારે રૂલ લેવલ 125.74 મીટર છે. પાણીની આવક વધતા સૌપ્રથમ એક ગેટ ખોલીને 1,275 ક્યુસેક પાણી છોડાયું હતું. ત્યારબાદ પણ વધતા સ્તર પર બે ગેટ 4 ફૂટ સુધી ખોલીને 10,161 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સાથે જ પાનમ મુખ્ય કેનાલમાં 400 ક્યુસેક પાણી છોડી ખેતી માટે પણ પાણી ઉપલબ્ધ કરાવવા માં આવી રહ્યું છે. હાલ ડેમ 78 ટકા ભરાયેલો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળે છે.
પાનમ ડેમ માંથી પાણી છોડાતા નદીકાંઠાના ગામોને ચેતવણી આપવામાં આવી છે. શહેરા તાલુકાના કોઠા, મોર, ઉંડારા, રમજીની નાળ અને બલુજીના મુવાડા સહિત પંચમહાલ અને મહીસાગર જિલ્લાના 28 જેટલા ગામોના રહેવાસીઓને નદીના કિનારે ન જવા અનુરોધ કર્યો છે. પાણીની આવકને કારણે નદીનો પ્રવાહ તેજ હોવાથી સાવચેત રહેવા સૂચના અપાઈ છે.
આ પણ વાંચો
હડફ ડેમમાં પણ વરસાદના પગલે પાણીની આવક નોંધાઈ છે. ડેમમાં 1,800 ક્યુસેક પાણી આવતાં એક ગેટ દોઢ ફૂટ સુધી ખોલીને 1,830 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડાયું. હડફ ડેમની જળસપાટી 164.45 મીટર પહોંચી હતી, જે રૂલ લેવલ 164.42 મીટરથી વધુ છે. સમયસર પાણી છોડવાના પગલાંને કારણે પરિસ્થિતિ કાબૂમાં છે.