Panchmahal News: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલો પાનમ ડેમ ઉપરવાસમાં થઈ રહેલા સતત વરસાદને કારણે ભરાઈ ગયો છે. આજે સવારે 12 વાગ્યે ડેમનું જળસ્તર 127.20 મીટર નોંધાયું હતું, જ્યારે રૂલ લેવલ 127.41 મીટર છે. નિયમિત સ્તર જાળવવા માટે તંત્રએ ડેમના 8 દરવાજા 4.57 મીટર જેટલા ખોલી 1,65,133 ક્યુસેક પાણી છોડ્યું છે.
આ પાણી છોડવાથી ત્રણ જિલ્લાનાં કુલ 24 ગામોને અસર થવાની શક્યતા છે. પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકાના રામજીની નાળ, લીંક અને ઉંડારા ગામો પ્રભાવિત થઈ શકે છે. મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોર અને બાલુજીના મુવાડા સહિત 5 ગામોને અસર થશે. લુણાવાડા તાલુકામાં ચોપડા, વેરામા સહિત 17 ગામો તેમજ ખાનપુર તાલુકાના પંડારડા અને નાનીચરેલ ગામો માટે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જિલ્લા વહીવટી તંત્રે નીચાણવાળા વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપી છે. તમામ સંબંધિત કચેરીઓ અને અધિકારીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. કેચમેન્ટ વિસ્તારમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાને કારણે પરિસ્થિતિ ગંભીર બની શકે છે. નાગરિકોને સાવચેત રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.