Jambughoda Wildlife Sanctuary Gujarat: ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું જાંબુઘોડા અભયારણ્ય સતત વરસી રહેલા વરસાદને કારણે સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. લીલાછમ ટેકરીઓ, વહેતા ઝરણાં અને ઠંડક ભરી હવા સાથે આ વિસ્તાર કુદરત પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન બન્યો છે. વડોદરાથી આશરે 90 કિ.મી. અને પાવાગઢથી ફક્ત 20 કિ.મી. દૂર આવેલું આ અભયારણ્ય 130 ચો.કિ.મી. વિસ્તારમાં ફેલાયેલું છે.

જાંબુઘોડા અભયારણ્યમાં જોવા લાયક વસ્તુઓ
- જાંબુઘોડા અભયારણ્યમાં ઊંચી-નીચી ડુંગરો, ઊંડી ખીણો, કાળા ખડકો અને મનમોહક ધોધો જોવા મળે છે. કડા અને તારગોળ ડેમ આ વિસ્તારના મુખ્ય જળાશયો છે, જે વન્યજીવો માટે જીવતરનું મહત્વનું સ્ત્રોત છે.
- જાંબુઘોડા અભયારણ્ય દીપડાની વધતી વસ્તી માટે પ્રસિદ્ધ છે. અહીં રીંછ, શિયાળ, વરુ, હરણ, નીલગાય, જંગલી ભૂંડ જેવા અનેક પ્રાણીઓ જોવા મળે છે. ખાસ કરીને કડા ડેમ નજીકનું ચિતલ અને સાબરનું બ્રિડિંગ સેન્ટર પ્રવાસીઓને આકર્ષે છે. હાલમાં અહીં 75 જેટલા ચિતલ અને 45 જેટલા સાબર વસે છે.
- અભ્યારણ્યમાં મેન હીટર દીપડાઓ માટે વિશેષ રેસ્ક્યુ સેન્ટર બનાવાયું છે, જેમાં હાલમાં 23 દીપડાઓને રાખવામાં આવ્યા છે. સાથે જ જંગલી મરઘાંનું બ્રિડિંગ સેન્ટર પણ અહીં છે, જ્યાં 40 જેટલા મરઘાંની વસ્તી વિકસાવી છે.
- અહીં 180 થી વધુ જાતિના પક્ષીઓનું નિવાસ છે. દૂધરાજ, પીળક તુઈ, સુડો પોપટ, બુલબુલ, ઘુવડ અને અનેક યાયાવર પક્ષીઓ અહીં જોવા મળે છે. ઉપરાંત સરીસૃપો, અજગર, કરોળિયા અને પતંગિયા પણ અભ્યારણ્યના પર્યાવરણને સમૃદ્ધ બનાવે છે.

ઈકો-ટુરિઝમ સફારી શરૂ
વન વિભાગ દ્વારા ઈકો-ટુરિઝમ સફારી શરૂ કરવામાં આવી છે, જેમાં ઓપન જીપથી અભ્યારણ્યની અંદર પ્રવાસ કરી કુદરત અને વન્યજીવનનો નજીકથી આનંદ માણી શકાય છે. ટ્રેકિંગ, નૈસર્ગિક ફોટોગ્રાફી અને આદિવાસી જીવનશૈલીનું અવલોકન પ્રવાસને યાદગાર બનાવે છે.
આ પણ વાંચો


વરસાદી માહોલથી સોળે કળાએ ખીલી ઉઠ્યું
હાલ વરસાદી મોસમમાં જાંબુઘોડા અભયારણ્યનો સૌંદર્ય ચમકી ઉઠ્યું છે, જેના કારણે પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. જો તમે પ્રકૃતિ અને વન્યજીવનના પ્રેમી છો, તો જાંબુઘોડા અભયારણ્ય તમારા માટે શ્રેષ્ઠ ગંતવ્ય છે.

