Ambaji Bhadravi Poonam Melo 2025: આ વખતે અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં 35 લાખથી વધુ શ્રદ્ધળુઓ આવે તેવી શક્યતા, પ્રવાસન સચિવે તૈયારીની સમીક્ષા કરી

અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે 1 થી 7 સપ્ટેમ્બર, 2025 સુધી યોજાશે. આ મહામેળામાં 35 થી 40 લાખ શ્રદ્ધાળુઓ સામેલ થશે એવી સંભાવના છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 05 Aug 2025 04:56 PM (IST)Updated: Tue 05 Aug 2025 04:56 PM (IST)
ambaji-bhadarvi-poonam-no-melo-2025-tourism-secretary-reviews-preparations-of-ambaji-bhadarvi-poonam-fair-579853

Ambaji Bhadravi Poonam Melo 2025 | અંબાજી ભાદરવી પૂનમનો મેળો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા કેટલાક સમયથી રાજ્યના હાઈ પ્રાયોરિટી એટલે કે ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવાના એક નવા ઉપક્રમનો પ્રારંભ કર્યો છે. મુખ્યમંત્રીના આ જ ઉપક્રમને હવે ઉચ્ચ અધિકારીઓએ પણ અપનાવવાનું શરૂ કર્યું છે. આ જ ક્રમમાં પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમારે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં 1 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહેલા ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે 1 થી 7 સપ્ટેમ્બર, 2025 સુધી યોજાશે. આ મહામેળામાં 35 થી 40 લાખ શ્રદ્ધાળુઓ સામેલ થશે એવી સંભાવના છે. મહામેળાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે પ્રવાસન સચિવ રાજેન્દ્ર કુમાર અંબાજી પહોંચ્યા, જ્યાં તેમણે શ્રેણીબદ્ધ મીટિંગો કરી. તેમણે સંબંધિત વિભાગો અને અધિકારીઓની સાથે અંબાજી મેળાની તૈયારીઓની તેમજ રીંછડિયા મહાદેવ તથા તેલિયા ઇકો ટ્રેલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સની પણ સમીક્ષા કરી. તેમણે આ સંબંધિત સ્થળોની મુલાકાત પણ લીધી.

અંબાજી મેળામાં શ્રદ્ધાળુઓ માટે સ્વચ્છતા-સુરક્ષાનો મંત્ર

શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમાન યાત્રાધામ અંબાજીમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ-અંબાજીના સંયુક્ત ઉપક્રમે ભાદરવી પૂનમનો મેળો આયોજિત થાય છે. પ્રવાસન સચિવ રાજેન્દ્ર કુમારે મીટિંગ દરમિયાન મેળામાં આવનારા શ્રદ્ધાળુઓ માટે સ્વચ્છતા અને સુરક્ષાના મંત્ર સાથે સુદૃઢ તેમજ ઉત્તમ વ્યવસ્થાઓ પ્રદાન કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

મીટિંગમાં અંબાજી મેળામાં આવનારા મુલાકાતીઓની સુરક્ષા, એસટી બસ, ઇલેક્ટ્રિસિટી, ક્રાઉડ મેનેજમેન્ટ, પીવાનું પાણી, કામચલાઉ વિરામ અને વિશ્રામનું સ્થળ, ભોજન, સફાઈ, આરોગ્ય, સેનિટેશન, ફાયર સેફ્ટી વગેરે વિષયો પર જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા. ખાસ કરીને સ્વચ્છતા, સુરક્ષા અને ભીડ નિયંત્રણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સવિચ રમેશ મેરજાએ અંબાજી મેળા દરમિયાન બોર્ડ દ્વારા કરવામાં આવનારી વિવિધ વ્યવસ્થાઓ જેવીકે કામચલાઉ આવાસ સુવિધા, પાર્કિંગ, લાઇટિંગ વગેરેની વિસ્તૃત સમીક્ષા કરી હતી.

પ્રવાસન સચિવે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર તથા અંબાજી ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલ દ્વારા જિલ્લા સ્તરીય કુલ 29 સમિતિઓ તરફથી કરવામાં આવનારા કાર્યો અને આયોજનો વિશે ચર્ચા કરી, તેમજ તમામ વિભાગો વચ્ચે સમન્વય, કટોકટીની સ્થિતિમાં કંટ્રોલ રૂમમાંથી તાત્કાલિક કનેક્ટિવિટીની વ્યવસ્થાઓની સમીક્ષા કરી. અંબાજી મંદિરના સંચાલક તેમજ અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીએ મેળાના આયોજન અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું.

મેળામાં આવાસ અને ભોજનની સુવિધાઓ, રોશનીથી ઝળહળશે મંદિરનું પરિસર

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંબાજી મેળામાં યાત્રી સુવિધાઓ માટે અનેક વ્યવસ્થાઓ કરવામાં આવશે. તેમાં 6 સ્થળો પર શૌચાલયની સુવિધા, મિનરલ વૉટરની સુવિધા, પ્રાથમિક ચિકિત્સા/મેડિકલ કાઉન્ટર, રજિસ્ટ્રેશન ડેસ્ક વગેરે સાથે વિશ્રામ માટે શેલ્ટર ડોમ્સ, 2 સ્થળો પર નિઃશુલ્ક ભોજન માટેના શેલ્ટર ડોમ્સ, 32 સ્થળો પર બેરિકેડિંગ અને સુરક્ષા માટે સીસીટીવી કેમેરાથી સજ્જ પાર્કિંગ સ્થળો, અંબાજી તરફ જતા હાઇવે પર 15 સ્થળોએ શૌચાલય અને સ્નાનની સુવિધાઓ, 30 સ્થળોએ પીવાના પાણીના કાઉન્ટર, 10 સ્થળોએ મેડિકલ કાઉન્ટર સ્થાપિત કરવામાં આવશે.

અંબાજી નગરમાં હેન્ડિક્રાફ્ટ્સની વસ્તુઓના સ્ટોલ્સ, એક દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ, અંબાજી મુખ્ય મંદિર, તેના પ્રાંગણમાં, શક્તિ દ્વાર અને તેના કોરિડોરમાં લાઇટિંગની વ્યવસ્થા, અંબાજી નગરના દ્વાર અને મંદિર તરફ જતા રસ્તાઓ પર લાઇટિંગની વ્યવસ્થા, અંબાજી મુખ્ય રસ્તો, ડી.કે. ત્રિવેદી સર્કલ અને સર્કિટ હાઉસ સર્કલની થીમેટિક લાઇટિંગ (થીમ આધારિત લાઇટિંગની વ્યવસ્થા) અને ગબ્બર હિલ માર્ગ પર સુશોભન લાઇટિંગ, સુશોભન ઇન્સ્ટોલેશન અને વૃક્ષોની રોશનીની સાથે સમગ્ર અંબાજી યાત્રાધામ વિસ્તાર ઝળહળી ઉઠશે.