Navsari: અમદાવાદ-મુંબઈ લોકશક્તિ એક્સપ્રેસના મુસાફરોએ ટ્રેક પર બેસી તેજસ એક્સપ્રેસ અટકાવી, બીલીમોરા રેલવે સ્ટેશન પર ધમાચકડી

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Fri 31 May 2024 11:26 AM (IST)Updated: Fri 31 May 2024 11:26 AM (IST)
navsari-news-passengers-of-ahmedabad-mumbai-lokshakti-express-sit-on-the-track-and-stop-tejas-express-riot-at-bilimora-railway-station-337804

Navsari News: બીલીમોરા રેલવે સ્ટેશન પર બુધવારે સાંજે બે કલાક સુધી લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેનને સાઈડીંગ પર રાખી તંત્રએ એક બાદ એક ટ્રેનોને પસાર કરાવતા મુસાફરોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. તેમણે રેલવે ટ્રેક ઉપર બેસી જઈ ધરણા પ્રદર્શન કરતાં પોલીસ દોડી આવી હતી. સમજાવટ છતાં મુસાફરોએ તેજસ એક્સપ્રેસ ટ્રેનને આગળ નહી જવા દેતા રેલવે તંત્રએ મુસાફરોની માંગણી માનવાની ફરજ પડી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ પાલઘર પાસે ગુડ્સ ટ્રેન પાટા પરથી ખડી પડતા મુંબઈ- અમદાવાદ વચ્ચેનો સળંગ રેલવે વ્યવહાર લગભગ બંધ જેવો થયો હતો. જેમાં અમદાવાદથી મંગળવારે રાત્રે 8.45 કલાકે મુંબઈના બાંદ્રા ટર્મિનસ જવા માટે નીકળેલી લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેન (નંબર 19031- 19032) પણ ભોગ બની હતી. આ ટ્રેન બીલીમોરાથી મંગળવારે રાત્રે 1.45 વાગે પસાર થવાનો સમય છે. તેના બદલે બુધવારે સાંજે 4.10 વાગે (20 કલાક મોડી) બીલીમોરા આવી હતી. તેને સાઈડીંગ પર પ્લેટફોર્મ નંબર 3 ઉપર ઊભી કરવામાં આવી હતી. તેની પાછળથી આવનારી ટ્રેનો દિલ્હીનાં હઝરત નિઝામુદ્દીનથી મુંબઈનાં બાંદ્રા જતો ગરીબ રથ એક્સપ્રેસ, નવી દિલ્હીથી મુંબઈ જતી દુરાંન્તો એક્સપ્રેસ ટ્રેનોને સિંગ્નલ આપી આગળ રવાના કરાઈ હતી.

બીજી તરફ કાળઝાળ ગરમીમાં શેકાતા આવેલા લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેનનાં મુસાફરો અકળાઈ ગયા હતા. 20 કલાક સુધી મુસાફરી દરમિયાન ટ્રેનનાં કોચમાં પાણી પણ ખલાસ થયું હતું. ટોઈલેટ જવાની મુશ્કેલી ઉભી થઈ હતી. ફરીથી વધુ એક ટ્રેન તેજસ એક્સપ્રેસ (અમદાવાદથી મુંબઈ)ને આગળ રવાના કરવાની જાહેરાત થતાં રોષે ભરાયેલા સેંકડો મુસાફરો લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરીને બીલીમોરા રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ નંબર 2નાં ટ્રેક ઉપર આવીને બેસી ગયા હતા.

પહેલા પોતાની ટ્રેનને આગળ રવાના કરવાનીમાંગણી કરી હતી. મુસાફરોને ટ્રેક ઉપરથી હટી જવા માટે સમજાવટ કરવા લાગ્યા હતા. પરંતુ હેરાન-પરેશન થયેલા મુસાફરો પોતાની વાત ઉપર અડગ રહ્યા હતા. લગભગ 1 કલાક રકઝક ચાલી હતી. રેલવેનાં અધિકારીઓએ છેવટે મુસાફરોની માંગણી માન્ય રાખી પ્રથમ લોકશક્તિ એક્સપ્રેસને સિંગ્નલ આપી આગળ જવા માટે મંજૂરી આપતાં મુસાફરો ટ્રેક પરથી ટ્રેનમાં બેસી ગયા હતા અને ટ્રેન આગળ નીકળી હતી.