Navsari News: ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના પાર-તાપી પ્રોજેક્ટ પરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે આદિવાસી સમાજ હવે વિશ્વાસ કરવાના નથી. તેમણે માંગણી કરી કે આ યોજના હવે પછી કરવામાં આવશે નહીં એવું લેખિતમાં આપો અથવા લોકસભામાં શ્વેતપત્ર રજૂ કરો કે આ યોજના કદી પણ બને નહીં. અનંત પટેલે ઉમેર્યું કે આદિવાસી સમાજ જાગી ગયો છે અને નેટ પર સર્ચ કરવાથી ડીપીઆરની માહિતી મળી જશે, એટલે સમાજને ભોળવવાની કોશિશ ન કરો. તેમણે 14 તારીખે ધરમપુરમાં રેલી કાઢીને જનઆક્રોશ પહોંચાડવાની વાત કરી હતી.
હવે પછી કરવામાં આવશે નહીં એવું લેખિતમાં આપો
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સી.આર.પાટીલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આજે જે રીતે સાંસદ સી.આર પાટીલે નિવેદન આપ્યું કે આવું કોઈ પણ ડીપીઆર રજૂ થયો નથી અથવા ડીપીઆર બન્યો નથી. ત્યારે મારે એટલું જ પૂછવું છે કે જો ડીપીઆર ન બન્યો હોય કે આ યોજના ન થવાની હોય તો હવે આદિવાસી સમાજ તમારો વિશ્વાસ કરવાના નથી.
તમારે જો આદિવાસી સમાજનો વિશ્વાસ સંપાદન કરવો હોય તો આ યોજના હવે પછી કરવામાં આવશે નહીં એવું લેખિતમાં આપો, નહીં તો લોકસભામાં વ્હાઇટ પેપર (શ્વેતપત્ર) રજૂ કરો કે આ યોજના કદી પણ બને નહીં અને આ યોજના કોઈ પણ દિવસ આ વિસ્તારમાં ડેમ બનશે નહીં એવું વ્હાઇટ પેપર તમે રજૂ કરો.
14 તારીખે આરપારની લડાઈનું આયોજન
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજ જાગી ગયો છે. નેટ પર તમે સર્ચ કરો તો એનો ડીપીઆર બતાવશે. આ યોજના વિશેની માહિતી બતાવશે એટલે આદિવાસી સમાજ ભોળા છે એને ભોળવવાની કોશિશ નહીં કરો. આદિવાસી સમાજને મૂરખ બનાવવાની કોશિશ નહીં કરો. અમારું આયોજન 14 તારીખે આરપારની લડાઈનું આયોજન છે. અમે એ દિવસે ધરમપુરમાં મોટામાં મોટી રેલી કાઢીને આદિવાસી સમાજનો જનઆક્રોશ લોકો સુધી પહોંચાડીશું. અમે એક ઇંચ જમીન કે એક ઇંચ એક બુંદ પાણી આપવાના નથી આટલું તમે સમજી લો, લડેંગે જીતેંગે.
પાર-તાપી પ્રોજેક્ટ અંગે શું કહ્યું હતું સી.આર.પાટીલે
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે પાર તાપી નર્મદા યોજનાને પડતી મૂકવામાં આવી છે. ભૂતકાળમાં નાણામંત્રી નિર્મલા સીતારામણે આ યોજનાની જાહેરાત કરી હતી, પરંતુ આદિવાસીઓની લાગણીઓને માન આપીને આ પ્રોજેક્ટ પડતો મૂકાયો હતો.
તુષાર ચૌધરીના નિવેદન કે આ યોજના ફરી શરૂ કરાઈ છે અને ડીપીઆર લોકસભામાં રજૂ કરાયો છે તે અંગે પાટીલે સ્પષ્ટતા કરી હતી કે આવો કોઈ ડીપીઆર લોકસભામાં રજૂ થતો નથી અને હાલમાં મંત્રાલયમાં આવી કોઈ યોજના નથી. કોંગ્રેસ પાસે મુદ્દા ન હોવાથી આવા ભ્રામક મુદ્દાઓ ઉછાળી રહી છે. પાટીલે આદિવાસીઓને ખાતરી આપી હતી કે તેમના હિત વિરુદ્ધ કોઈ કાર્ય નહીં થાય.