Navsari News: પાર-તાપી પ્રોજેક્ટને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલે પાર-તાપી-નર્મદા પ્રોજેક્ટ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ અમલી થવાનો નથી. કોંગ્રેસ ભ્રામક વાતો ફેલાવી રહી છે અને આદિવાસી ભાઈ-બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તુષાર ચૌધરી દ્વારા કરાયેલ દાવાઓ પાયાવિહોણા છે. આવો કોઈ ડીપીઆર લોકસભામાં રજૂ કરાયો નથી અને ન તો કોઈ નવી યોજના મંત્રાલયમાં છે. તેમણે આદિવાસી ભાઈ-બહેનોને ખાતરી આપી હતી કે તેમના હિત વિરુદ્ધ કોઈ પણ પ્રોજેક્ટ કરવામાં આવશે નહીં અને કોંગ્રેસના આવા પ્રયાસોથી દૂર રહેવા વિનંતી કરી હતી.
આદિવાસીઓની લાગણીને માન આપી પ્રોજેક્ટ પડતો મૂકાયો
સી.આર. પાટીલે જણાવ્યું કે, વર્ષો પહેલાં નાણામંત્રી નિર્મલા સીતારામણે બજેટમાં આ યોજનાની જાહેરાત કરી હતી. પરંતુ આદિવાસી ભાઈ-બહેનોની લાગણી દુભાતી હતી અને તેઓ આ પ્રોજેક્ટ નહીં કરવા માટે માંગણી કરી રહ્યા હતા. તેમની લાગણીઓને માન આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મેં સુરત સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરી હતી કે આ પ્રોજેક્ટને પડતો મૂકવામાં આવ્યો છે.
કોંગ્રેસ પાસે મુદ્દા નથી એટલે ભ્રમ ફેલાવે છે
પાટીલે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે આવા મુદ્દા ઉછાળીને લોકોમાં ભ્રમ ફેલાવી રહી છે અને આદિવાસી ભાઈ-બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહી છે. તેમણે કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે દાવો કર્યો હતો કે પાર-તાપી-નર્મદા યોજના ફરી શરૂ કરવામાં આવી છે અને તેનો ડીપીઆર (ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ) લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે.
કોઈ ડીપીઆર રજૂ કરાયો નથી: પાટીલ
તુષાર ચૌધરીના દાવાને નકારતા સી.આર. પાટીલે કહ્યું કે, તેઓ લોકસભામાં રાજ્ય કક્ષાના મંત્રી રહી ચૂક્યા છે અને લોકસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેમને ખબર હોવી જોઈએ કે આવી કોઈ યોજનાનો ડીપીઆર લોકસભામાં રજૂ કરવામાં આવતો નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આવો કોઈ ડીપીઆર બન્યો નથી અને આ પ્રોજેક્ટ કરવા માટેની કોઈ યોજના તેમના મંત્રાલયમાં નથી. આ યોજનાને ચોક્કસપણે પડતી મૂકવામાં આવી છે.
આદિવાસીઓના હિત વિરુદ્ધ કોઈ કામ નહીં થાય
સી.આર. પાટીલે આદિવાસી ભાઈ-બહેનોને ખાતરી આપતા કહ્યું કે, તેમની વિરુદ્ધનો કોઈ પ્રોજેક્ટ ક્યારેય કરવામાં આવશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ આ જ પ્રકારની સૂચના છે અને તેઓ પણ એ જ પ્રમાણે કામ કરી રહ્યા છે. તેમણે આદિવાસીઓને કોંગ્રેસના આગેવાનો દ્વારા ફેલાવવામાં આવતી ગેરસમજોથી દૂર રહેવા અને તેમને ઓળખી લેવા માટે વિનંતી કરી હતી.